શ્રાવણ માસમાં માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામે ઉમટ્યો ભાવિક ભક્તોનો પ્રવાહ

0
શ્રાવણ માસમાં માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામે ઉમટ્યો ભાવિક ભક્તોનો પ્રવાહ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વલસાડ) : તા. ૦૪.  વલસાડ જિલ્લાના રાબડા ગામે લીલીછમ વનરાઈ અને મનમોહક પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે આવેલા મા વિશ્વંભરી તીર્થયાત્રા ધામ ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યાં હતાં. ખાસ કરીને જન્માષ્ટમીના પાવન દિવસોમાં ધામ ખાતે શ્રદ્ધાળુઓનો વિશેષ પ્રવાહ જોવા મળ્યો હતો. પરાશક્તિ મા વિશ્વંભરીના દિવ્ય દર્શન કરીને ભક્તોએ આધ્યાત્મિક શાંતિ, આનંદ અને ધન્યતાની અનુભૂતિ કરી હતી.

પ્રકૃતિના સાનિધ્યમાં આવેલું આ તીર્થધામ આધ્યાત્મિક ચિંતન, અનુભવસિદ્ધ જ્ઞાન અને સનાતન સંસ્કૃતિની અનુભૂતિ કરાવતું વિશિષ્ટ કેન્દ્ર બની ગયું છે. ધામની મુલાકાતે આવતા દર્શનાર્થીઓ અહીંના શાંત, પવિત્ર અને પ્રકૃતિમય વાતાવરણમાં પ્રવેશતાં જ માનસિક શાંતિ સાથે એક અનોખી આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ કરે છે.

ધામમાં આવેલી અલૌકિક પાઠશાળામાં ભાગ્યવિધાતા મા વિશ્વંભરીના ચૈતન્ય સ્વરૂપના દર્શન ભક્તોને મંત્રમુગ્ધ કરી દે છે. સાથે જ હિમાલયની ગુફાની પ્રતિકૃતિમાં સ્થાપિત શિવલિંગના દર્શન શ્રદ્ધાળુઓને ભક્તિભાવથી ઓતપ્રોત કરી દે છે.

ગોકુલધામમાં શ્રીકૃષ્ણ દ્વારા ગોવર્ધન પર્વત ધારણ કરવાની દિવ્ય લીલાની સુંદર પ્રતિકૃતિ તેમજ નંદબાબાની કુટીરનું મનોહર નિર્માણ કરવામાં આવ્યું છે, જે દર્શનાર્થીઓને શ્રીકૃષ્ણના જીવનપ્રસંગોની જીવંત અનુભૂતિ કરાવે છે.

વૈકુંઠધામમાં આવેલી આદર્શ ગૌશાળા પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે. અહીં ગીર ગાયોની સેવા, સંભાળ અને સ્વચ્છતાની ઉત્તમ વ્યવસ્થા દ્વારા ગૌસેવાનું પ્રેરણાદાયી ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું છે.

તે જ રીતે પંચવટીમાં શ્રીરામ, માતા સીતા અને લક્ષ્મણજીની પ્રતિમાઓના દર્શન કરીને ભક્તો રામાયણકાળના પવિત્ર પ્રસંગોની જીવંત અનુભૂતિ કરતાં ભાવવિભોર બની જાય છે.

માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ આજે સમગ્ર માનવજાતને એક અત્યંત મહત્વપૂર્ણ અને કલ્યાણકારી દિવ્ય સંદેશ આપી રહ્યું છે-“અંધશ્રદ્ધા છોડીને ઘર તરફ પાછા વળો અને ઘરને જ મંદિર બનાવો.”

નાત-જાત, ઊંચ-નીચ કે કોઈપણ પ્રકારના ભેદભાવથી પર રહી આ ધામ સનાતન ધર્મ અને સનાતન વૈદિક સંસ્કૃતિના મૂળભૂત મૂલ્યોને ઉજાગર કરી રહ્યું છે. માનવીને સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ સમજાવી સત્ય ધર્મ-કર્મ અને સાચી ભક્તિ તેમજ આધ્યાત્મના માર્ગે આગળ વધવાની પ્રેરણા અહીંથી પ્રાપ્ત થાય છે.

જ્ઞાન, ભક્તિ અને કર્મના ત્રિવેણી સંગમ સમાન મા વિશ્વંભરી તીર્થયાત્રા ધામ પ્રકૃતિ, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો એવો અનોખો સમન્વય રજૂ કરે છે, જ્યાં પહોંચતા દરેક દર્શનાર્થીને શાંતિ, પવિત્રતા અને પૃથ્વી પર સ્વર્ગ જેવી દિવ્ય અનુભૂતિ થાય છે.

.○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

_______________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *