નિઝર તાલુકાના વેડાપાડા ગામે ધરમાં આગ લાગતા આખું ઘર બળીને રાખ થયું : તંત્ર ફરક્યુ શુધ્ધા નહિં !!
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપી જિલ્લાના નિઝર તાલુકાના વેડાપાડા ગામે રહેતા ચંદ્રસિંગ વળવીના ઘરમાં ગત રોજ રાતના સમયમાં અચાનક આગ લાગી જતા આગમાં જરૂરી ડોક્યુમેન્ટ અને પરિવારના કપડાં, ખાવાનો સમાન તેમજ પૈસા વગેરે બળીને ખાખ થઈ ગયા હતા. આ બનાવને લઇ સ્થાનિક રહીશોએ પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં કરવાની કોશિશ કરી હતી. પરંતુ ઘરને આગ વધુ ફેલાઈ જતા આગને કાબુ કરી શકાય નહીં. આખરે જોતા જોતાજ આગમાં ઘર બળીને ખાખ થઈ ગયું.
મળતી માહિતી મુજબ ગ્રુપ ગ્રામપંચાયત રાયગઢના તલાટી અને સરપંચ અત્યાર સુધી આ પરિવારને જોવા માટે કે આશ્વસન આપવા માટે પણ આવેલ નથી? વેડાપડા ગામમાં જ તાલુકા પંચાયત પ્રમુખશ્રીનું પણ ઘર આવેલ છે પરંતુ પ્રમુખશ્રીને પણ જોવા માટે સમય નથી ? ગરીબનું ઘર અચાનક બડીને ખાખ થઈ જાય છતાં પણ સ્થાનિક તંત્ર જાણે કુંભકર્ણની નિદ્રામાં ઉંઘી હોય એવું લાગી રહ્યું છે.
પૂર્વ જિલ્લા પ્રમુખશ્રી પણ નિઝર વિસ્તારના રૂમકિતળાવના હતા. છતાં પણ ફાયર બ્રિગેડની એક ગાડી પણ મુકવામાં આવી નથી ? શું મોટી ઘટના થશે ત્યારે તંત્ર જાગશે ? આદિવાસી વિસ્તારોમાં લાગેલી આગમાં કેટલાક ઘરો બળી ને રાખ થઈ જાય છે જેને લઇ નિઝર તાલુકાના લોકો સહિત આદિવાસી વિસ્તારોમાં રહેતા ગ્રામજનોને ફાયર બ્રિગેડ જેવી સુવિધા મુકવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.