બાલવાટિકા સહિત ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પરિણામ પત્રક આપવાની પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ગુજરાત રાજ્યનાં પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા બાલવાટિકા તથા ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પરિણામ પત્રક આપવાની પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કરેલ છે. જે અંતર્ગત બાલવાટિકા તથા ધોરણ ૧ અને ર નાં વિદ્યાર્થીઓને હાલમાં અપાતા પરિણામ પત્રકને બદલે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ આપવામાં આવશે. ઉપરાંત જે વિદ્યાર્થીઓ ધોરણ ૩ થી ૮ માં અભ્યાસ કરે છે, તેમનું પરિણામ રાજ્ય કક્ષાએ ઓનલાઈન તૈયાર થશે, જેને શાળાઓ ડાઉનલોડ કરી વિદ્યાર્થીઓને આપશે.
આ બાબતે વધુ સ્પષ્ટતા કરતાં ઓલપાડનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારનાં શિક્ષણ વિભાગ હેઠળની પરખ સંસ્થાએ ૩૬૦ ડિગ્રી મૂલ્યાંકન માટે નવું માળખું બનાવ્યું છે. જેનાં પગલે સમગ્ર રાજ્યનાં વિદ્યાર્થીઓ માટે સર્વાંગી ગુણ પત્રક તૈયાર કરવામાં આવેલ છે. આ પત્રકમાં વિદ્યાર્થીઓનાં ભાવનાત્મક, બોધાત્મક અને માનસિક વિકાસની વિગતાનુસાર માહિતીની નોંધ લેવાશે. મૂલ્યાંકનમાં શિક્ષક, વાલી, સહપાઠી તેમજ વિદ્યાર્થી પોતે પણ સામેલ થશે. જેને પગલે વિદ્યાર્થીઓની સુધારાત્મક જરૂરિયાતો સ્પષ્ટ થશે. શાળાઓએ પરીક્ષા પૂરી થયા બાદ વિદ્યાર્થીઓનાં ગુણ ઓનલાઈન અપલોડ કરવા પડશે. ધોરણ ૩ થી ૮ નાં વિદ્યાર્થીઓનું પરિણામ રાજ્ય કક્ષાએ ઓનલાઈન તૈયાર કરવામાં આવશે. જે બાદ રાજ્ય કક્ષાએ તૈયાર કરાયેલા ગુણ પત્રકો શાળાઓ ડાઉનલોડ કરીને વિદ્યાર્થીઓને આપશે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
