બે વર્ષથી પિયરમાં રહેલી પીડિતાનું અભયમ ટીમ દ્વારા કુશળ કાઉન્સેલિંગથી સાસરીમાં પુનઃસ્થાપન – પરિવારનું સુખદ સમાધાન

1
Woman help line 181 abhayam logo
Contact News Publisher

(પ્રિયા દુબે દ્વારા, બારડોલી) : બારડોલી વિસ્તારમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર એક પીડિતાનો કોલ પ્રાપ્ત થયો હતો, જેમાં પીડિતાએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા બે વર્ષથી પિયરમાં રહેતા હતા અને હવે ફરીથી પોતાના સાસરીમાં જવા માંગે છે, માટે તેમને મદદની જરૂર છે.

કોલ મળતા જ અભયમ ટીમના કાઉન્સેલર તૃપ્તિ પટેલ, મહિલા પોલીસ શીલાબેન ચૌધરી અને પાયલોટ નીરવભાઈ તાત્કાલિક પીડિતા પાસે પહોંચી ગયા હતા. પ્રાથમિક ચર્ચા દરમિયાન જાણવા મળ્યું કે પીડિતા તેમના પતિ, સાસુ અને સસરા દ્વારા થતા સતત માનસિક ત્રાસને કારણે બે બાળકો સાથે પિયરમાં રહેવા મજબૂર બન્યા હતા. છેલ્લા બે વર્ષ દરમિયાન પતિ દ્વારા પીડિતાને પાછા લેવા કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નહોતો અને પીડિતાએ પણ સાસરીમાં પરત જવાની કોશિશ કરી નહોતી.

હાલમાં પીડિતા પોતાના બે બાળકો સાથે સાસરી ખાતે આવી હતી, પરંતુ સાસરીપક્ષે તેમને સ્વીકારવા ઇનકાર કર્યો હતો. પીડિતાએ વધુમાં જણાવ્યું કે તેમના પતિ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને સાસુ-સસરા ખેતી કરે છે, તેમજ ઘરની નાની-નાની બાબતોમાં તેમનો જ દોષ કાઢી તેમને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.

અભયમ ટીમ દ્વારા પીડિતાની સમસ્યાને ગંભીરતાથી સમજવામાં આવી અને ત્યારબાદ પીડિતાના પતિ તેમજ સાસુ-સસરા નું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. કાઉન્સેલિંગ દરમિયાન કાયદાકીય માહિતી તેમજ પરિવાર પ્રત્યેની નૈતિક જવાબદારીઓ અંગે વિગતવાર સમજ આપવામાં આવી

ટીમના પ્રયત્નોથી પીડિતાના પતિ અને સાસરીપક્ષે પોતાની ભૂલ સ્વીકારી અને પીડિતાને તેમના બે બાળકો સાથે કોઈપણ પ્રકારનો માનસિક ત્રાસ આપ્યા વગર સ્વીકારવાની અને તમામ જવાબદારી સાથે સાચવવાની બાંહેધરી આપી.

આ રીતે અભયમ ટીમના સમયસરના હસ્તક્ષેપ અને કાઉન્સેલિંગ દ્વારા બે વર્ષથી વિખૂટા પડેલા પરિવારને ફરી એકતામાં બાંધી સુખદ સમાધાન કરવામાં આવ્યું અને પીડિતાનું સાસરીમાં પુનઃસ્થાપન કરાયું. અભયમ ટીમના આ પ્રયત્નોથી પરિવારમાં ફરી સુખ અને શાંતિનો માહોલ સર્જાયો. અંતે પીડિતાએ અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

1 thought on “બે વર્ષથી પિયરમાં રહેલી પીડિતાનું અભયમ ટીમ દ્વારા કુશળ કાઉન્સેલિંગથી સાસરીમાં પુનઃસ્થાપન – પરિવારનું સુખદ સમાધાન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *