ભારતના એટોમિક એનર્જી કમિશન ચેરમેન અને એનર્જી વિભાગના સેક્રેટરીએ કાકરાપારની મુલાકાત લીધી

Contact News Publisher

અદ્યતન ફીચર્સ અને સલામતી સાથેની વિવિધ મશીનરી જીવનને સરળ બનાવવા પ્રયાસ કરશે : ડો. અજીતકુમાર મોહંતી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તા.૦૬- કાકરાપાર એટોમિક એનર્જી પ્લાન્ટ ખાતે તા.૦૪/૦૯/૨૦૨૩ ના રોજ એટોમિક એનર્જી કમિશન ચેરમેન અને ભારત સરકારના એટોમિક એનર્જી વિભાગના સેક્રેટરી ડો. અજીતકુમાર મોહંતીએ સૌપ્રથમવાર પ્લાન્ટની મુલાકાત લીધી હતી. સારી ગુણવત્તા ધરાવતી ગ્રીન એનર્જી ઉત્પાદન કરનાર કાકરાપાર પ્લાન્ટની મુલાકાત લઈ ચેરમેને પ્રસન્નતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભારત દેશ આત્મનિર્ભરતા તરફ ઝડપથી આગેકૂચ કરી રહ્યો છે. અદ્યતન ફીચર્સ અને સલામતી સાથેની વિવિધ મશીનરી જીવનને સરળ બનાવવા પ્રયાસ કરશે. 700 મેગાવોટ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ શરૂઆત છે. અને ગર્વની વાત એ છે કે આ રિએકટર સંપૂર્ણ ભારતની બનાવટ છે. સમગ્ર વિશ્વમાં એક અદભૂત કાર્ય કરવામાં આવ્યું છે. 700 મેગાવોટની આ અવિસ્મરણીય સિધ્ધિ છે.
ઉલ્લેખનિય છે કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ પ્રસંગે ટવીટ કરી અભિનંદન પાઠવતા કહ્યું હતું કે “ભારતે વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું. પ્રથમ સૌથી મોટું સ્વદેશી 700 MWe કાકરાપાર ન્યુક્લિયર ગુજરાતમાં પાવર પ્લાન્ટ યુનિટ-3 સંપૂર્ણ ક્ષમતાથી કામગીરી શરૂ કરી છે.” ભારતના પ્રથમ સૌથી મોટા સ્વદેશી નિર્મિત 700 મેગાવોટ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, કાકરાપાર એટોમિક પાવર પ્રોજેક્ટ યુનિટ-3 એ, તારીખ 30-08-2023 થી 700 મેગાવોટની સંપૂર્ણ ક્ષમતા પર કાર્યરત થયેલ છે. યુનિટ-3 એ 30મી જૂન, 2023 થી 10:00 કલાકે કોમર્શિયલ ઓપરેશન શરૂ કર્યું હતું અને નેશનલ ગ્રીડ દ્વારા ગુજરાત અને આસપાસ ના આવેલા રાજ્યોને વીજળી પૂરી પાડે છે. ભારતના સ્થાનિક નાગરિક પરમાણુ કાર્યક્રમની આ ઐતિહાસિક ક્ષણ છે. અને તે આપણી વૈજ્ઞાનિક અને ઉચ્ચતમ તકનીકની ક્ષમતા પણ દર્શાવે છે.

કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન એ ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના માંડવી તાલુકામાં સ્થિત એક પરમાણુ પાવર પ્લાન્ટ છે અને ભારત સરકારના ઉપક્રમ ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NPCIL), દ્વારા સંચાલિત છે, જે પરમાણુ ઉર્જા દ્વારા વીજ ઉત્પાદન માટે જવાબદાર છે. કાકરાપાર ગુજરાત સાઇટમાં ચાર દબાણયુક્ત ભારે પાણીના રિએક્ટરનો સમાવેશ થાય છે, એટલે કે બે 220 મેગાવોટ ના કુલ 440 મેગાવોટ અને બે 700 મેગાવોટ મળીને કુલ 1,400 મેગાવોટ પાવરના યુનિટ આવેલા છે.

કેએપીપી-3 અને 4નો 700 મેગાવોટનો પરમાણુ પ્લાન્ટ ભારતનો સૌથી મોટો સ્વદેશી રીતે વિકસિત PHWR અનેક આધુનિક સલામતી સુવિધાઓ ધરાવતો પ્લાન્ટ છે. અદ્યતન ટેકનોલોજીથી ડિઝાઇનથી સુસજ્જિત કાર્યક્ષમ સ્ટેશનનું સુનિશ્ચિત અને અવિરત વીજળી ઉત્પાદન માટે ખુબજ ચોકસાઇ થી અને સાવચેતીપૂર્વક નિર્માણ કરવામાં આવ્યું છે.

સેક્રેટરીની મુલાકાત વેળાએ પ્રોજેક્ટસ ડાયરેકટર NPCIL મુંબઈ શ્રી રંજય શરણ, સાઈટ ડાયરેકટર NPCIL ગુજરાત સાઈટ શ્રી સુનિકલ કુમાર રોય, શ્રી એન.કે.મીઠાવલ, પ્રોજેક્ટ ડાયરેકટર યુનિટ 3 & 4 , અજયકુમાર ભોલે, સ્ટેશન ડાયરેકટર યુનિટ 1 & 2, શ્રી યશ લાલા, સ્ટેશન ડાયરેકટર કાકરાપાર સ્ટેશન યુનિટ 3 & 4 સહિત કાકરાપાર NPCIL સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *