લોકોના પ્રશ્નોના હકારાત્મક નિકાલ માટે વહીવટીતંત્રના હંમેશા પ્રયાસ રહેશે : – કલેકટર એચ.કે.વઢવાણિયા
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તાપી જિલ્લાના તમામ ગામોને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અનુરોધ કરતા -જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયા.
………..……..
તાપીના વ્યારા તાલુકાના ચીખલી ગામે સેવાસેતુ અને રાત્રીસભા યોજાઈ:
………………..
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) તા.૩૦: તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચીખલી ગામે આજરોજ જિલ્લા વહીવટીતંત્ર આયોજીત સેવાસેતુ અને ગુડ ગવર્નન્સ અંતર્ગત રાત્રી સભા યોજાઈ હતી. સેવાસેતુને અભૂતપૂર્વ પ્રતિસાદ મળતા ચીખલી ક્લસ્ટરના ૧૧ ગામોના કુલ-૪,૦૬૧ લાભાર્થીઓને સરકારશ્રીની સેવાઓના લાભ અપાયા હતા.સાથે રાત્રી સભા પણ ખૂબ જ લોકપ્રિય થતા ચીખલી,વિરપુર,તાડકુવા,કાટગઢ,કાનપુરા,વાઘઝરી, પાનવાડી,મદાવ,મુસા, ચીખલદા,જેતવાડી ગામના ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લઇ રસ્તા,પાણી,વિજળી જેવા પ્રશ્નો રજુ કર્યા હતા.
રાત્રી સભાના અધ્યક્ષ કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાએ સૌ ગ્રામજનોને આગામી દિવાળી તહેવારની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે સેવાસેતુ માં સરકારશ્રીની કુલ ૫૬ જેટલી સેવાઓ આવરી લેવામાં આવી છે. તાપી જિલ્લામાં કુલ ૬૫ જેટલા સેવાસેતુના કાર્યક્રમો યોજાશે. જે મોટાભાગે શુક્ર-શનીવારે કરવામાં આવશે જેથી મહત્તમ લોકો તેનો લાભ લઈ શકે. આ કાર્યક્રમ આગામી ૫ જાન્યુઆરી ૨૦૨૨ સુધી ચાલનાર છે. આયુષમાન કાર્ડ,આવકના દાખલા,૭-૧૨,૮-અ,ગંગાસ્વરૂપ યોજના,આરોગ્યની PM JAY જેવી વિવિધ સેવાઓ લોકોને સ્થળ પર જ મળી રહે અને સરકાર પ્રજાના દ્વારે લોકોને પ્રતિતિ થાય એવો સરકારશ્રીનો ઉદૃદેશ્ય છે. સેવાસેતુ અને રાત્રી સભામાં લોકોના પ્રશ્નોના હકારાત્મક નિકાલ માટે વહીવટીતંત્રના હંમેશા પ્રયાસ રહેશે.નીતિ વિષયક પ્રશ્નોની સરકારમાં રજૂઆત કરી સત્વરે ઉકેલ લાવવા પણ કલેકટર વઢવાણિયાએ જણાવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયા એ ઉપસ્થિત ગ્રામજનોને જણાવ્યું હતું કે આઝાદી કા અમૃત મહોત્સવ તથા ૩૧ ઓકટોબર સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિ અંતર્ગત તાપી જિલ્લાના તમામ ગામોમાં સ્વચ્છતા અભિયાન યોજાશે. તેમજ ૭૫ જેટલા ગામોમાં યુવાનો,આગેવાનો મળીને કુલ ૭૫ જેટલા લોકો રન ફોર યુનિટિમાં જોડાશે. સરકારશ્રીના આવા કાર્યક્રમોમાં જનભાગીદારી થી જોડાઈને આપણે આપણા ગામને સ્વચ્છ બનાવીશું તેમજ પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સંકલ્પ લઈશું. વતનપ્રેમ યોજના હેઠળ ગ્રામ વિકાસ અંગે ડી.ડી.ઓ કાપડિયાએ જાણકારી આપી લાભ લેવા જણાવ્યું હતું.
રાત્રી સભામાં પ્રાંત અધિકારી હિતેષ જોશી,ગ્રામવિકાસ નિયામક જે.જે.નિનામા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.એ.ડોડિયા, મામલતદાર બી.બી.ભાવસાર, બાંધકામ સમિતિ અધ્યક્ષ નીતીનભાઈ ગામીત,સરપંચશ્રી દેવેનભાઈ, ટીનાભાઈ, સોનગઢ તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારી એસ.બી.પરમાર, સહિત વહીવટીતંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો સોશ્યલ ડિસ્ટર્ન્સ સાથે ઉપસ્થિતરહ્યા હતા. તાપી જિલ્લામાં સૌપ્રથમ ઈ-શ્રમ કાર્ડ તથા સેવાસેતુના લાભાર્થીઓને કલેકટરશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે સરકારશ્રીની સેવાઓનો લાભ અપાયો હતો. રાત્રીસભામાં લોકોના રસ્તા,વિજળી,પાણીના પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો હતો. રાત્રી સભામાં ચીમકુવા પ્રાથમિક શાળાના આચાર્ય પ્રદીપભાઈ ચૌધરી અને ઉંચામાળા માધ્યમિક શાળાના આચાર્ય સંજયભાઈ ચૌધરીએ સરકારશ્રીના વિકાસલક્ષી કાર્યક્રમ અંગે સ્વરચિત ગીત રજુ કર્યું હતું.
૦૦૦૦૦૦૦૦