માંગરોળ તાલુકાના અંતરિયાળ વિસ્તારની 6 PHC કેન્દ્રોનાં તબિબોને સુરત મોકલી દેવાતા ગ્રામ્યપ્રજાને ભારે હાલાકી
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : સુરત જીલ્લા માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડૉ. સઈદ અહમદ નાતાલવાલાને અચાનક વેરાકુઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી તા.૧૦/૦૭/૨૦૨૦ ના રોજ ૩ મહિના માટે છુટા કરવામાં આવ્યા છે આ ૩ મહિનાનો ચાર્જ ડૉ. રિઝવાના રુસ્તમ, મેડિકલ ઓફિસરને આપવામાં આવેલ છે આ મેડિકલ ઓફિસર હાલમાં PHC નાની નરોલી તા. માંગરોળ ખાતે ફરજ બજાવી રહ્યા છે. અને ડૉ. સઈદ અહમદ નાતાલવાલાને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે તા.૧૧/૦૭/૨૦૨૦ ના રોજ હાજર કરવામાં આવ્યા છે.
જેના સંદર્ભે અમારા સંવાદાતાએ માહિતી મેળવવા માટે ફોન દ્વારા ડૉ. સઈદ અહમદ નાતાલવાલાને સંપર્ક કરતા જાણવા મળ્યુ કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કમિશ્નરશ્રીએ આરોગ્ય વિભાગ સચિવાલય-ગાંધીનગર ખાતે રજુઆત કરેલ કે સુરત શહેરમાં કોરોના વાઈરસનાં કેસો બહું જ ઝડપથી વધી રહ્યા હોય જેથી અમને સરકારી ડોક્ટરો ફાળવી આપો. જેથી તેમની રજુઆત માન્ય રાખીને આરોગ્ય વિભાગ સચિવાલય-ગાંધીનગરનાં હુકમથી અમો કુલ-૬ તબીબોને ૩ મહિનાઓ માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કાર્યવિસ્તારમાં કામગીરી કરવા માટે મોકલવામાં આવેલ છે. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના (૧) વડપાડા, તા. ઉમરપાડા (૨) વેરાકુઈ, તા. માંગરોળ (૩) રતનિયા, તા. માંડવી (૪) સરભોણ, તા. બારડોલી (૫) વહેવલ, તા. મહુવા (૬) ખરવાણ, મહુવા આટલી જગ્યાથી તબીબોને તાત્કાલિક બોલાવી લેવામાં આવ્યા છે. આ જે જે જગ્યા ઉપરથી તબીબોને બોલાવી લેવામાં આવ્યા છે તે જગ્યાઓ તાલુકા મથકથી ખુબ અંદરના ગામો છે. અને તાત્કાલિક ઈમરજન્સી માં સારવાર માટે તાલુકા મથક સુધી પહોંચવા ઘણી તકલીફો વેઠવી પડે છે જેથી તાત્કાલિક આ જગ્યાઓ ઉપર સારા તબીબોની નિમણૂક કરવી જોઈએ.
જેથી હવે જાણવાનું એ રહ્યું કે ૩ મહિના પુરા થયા બાદ તબીબોની ફરીથી જે-તે જગ્યા ઉપર મુકવામાં આવશે કે કેમ ?