વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને સામાન્ય નાગરિકોને શ્રેષ્ઠ પરિવહન સુવિધા આપવા સરકાર સંકલ્પબદ્ધ :- આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ

0
વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને સામાન્ય નાગરિકોને શ્રેષ્ઠ પરિવહન સુવિધા આપવા સરકાર સંકલ્પબદ્ધ :- આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ
Contact News Publisher

વ્યારા ખાતેથી રૂ. ૧૮ કરોડથી વધુના ખર્ચે નિર્માણ થનાર વ્યારા અને ઉચ્છલ બસ સ્ટેશનનું સંયુક્ત ખાતમુહૂર્ત કરાયું

 

મંત્રી સર્વશ્રી નરેશભાઈ પટેલ અને ડૉ. જયરામભાઈ ગામીતના હસ્તે વ્યારા બસ સ્ટેશન ખાતેથી શાસ્ત્રોક્ત પૂજા-વિધિ સાથે નવીન બસ સ્ટેશનોનું ખાતમુહૂર્ત

 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૬.:- તાપી જિલ્લાના નાગરિકોની પરિવહન સુવિધા અને સુખાકારીમાં વધારો કરવાના હેતુથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વ્યારા અને ઉચ્છલ ખાતે અત્યાધુનિક બસ સ્ટેશનોનું નિર્માણ થનાર છે. જેને અનુલક્ષીને રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલે રાજ્યકક્ષાના રમતગમત અને પ્રવાસન મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની વિશેષ ઉપસ્થિતિમાં વ્યારા બસ સ્ટેશન ખાતે શાસ્ત્રોક્ત પૂજા-વિધિ સાથે બંને નવીન બસ સ્ટેશનોનું ખાતમુહૂર્ત કર્યું હતું.

 

આ પ્રસંગે મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે, તાપી જિલ્લાના વ્યારા અને ઉચ્છલ ખાતે કુલ રૂ. ૧૮ કરોડથી વધુના ખર્ચે આ બંને નવીન બસ સ્ટેશનો આકાર પામશે, જે ગુજરાતની શ્રેષ્ઠ ડિઝાઇન ધરાવતા બસ સ્ટેશનો પૈકીના એક હશે. તેમણે ઉમેર્યું કે, વ્યારા બસ સ્ટેશન પરથી હાલમાં દરરોજ ૪૦૦ થી વધુ ટ્રીપોનું સંચાલન થાય છે અને સરકારનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને સામાન્ય નાગરિકોને શ્રેષ્ઠ પરિવહન સેવા પૂરી પાડવાનો છે.

 

આ પ્રસંગે બંને મંત્રીશ્રીઓએ નવીન બસ સ્ટેશનના આર્કિટેક્ચરલ સ્ટ્રક્ચરની છબી (બાંધકામ ડિઝાઇન) નિહાળીને સુવિધાઓ અંગે ઝીણવટભરી જાણકારી મેળવી હતી.

 

અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ થશે નવીન બસ સ્ટેશન

 

વ્યારા ખાતે ૭,૧૨૪ ચો.મી. જમીન વિસ્તારમાં અંદાજે રૂ. ૮.૬૫ કરોડના ખર્ચે આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચરવાળું નવીન બસ સ્ટેશન નિર્માણ પામશે. આ બસ સ્ટેશનમાં ૧૦ પ્લેટફોર્મ, વિશાળ વેઇટિંગ હોલ, વીઆઇપી રેસ્ટરૂમ, લેડીઝ રેસ્ટરૂમ અને બેબી ફીડિંગ રૂમ, કેન્ટીન, આર.ઓ. વોટર રૂમ, પાર્સલ રૂમ તેમજ સ્ટોલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, દિવ્યાંગ મુસાફરોની સરળતા માટે ખાસ શૌચાલય, સ્લોપિંગ રેમ્પ, વ્હીલચેર, ટેક્ટાઇલ ટાઇલ્સ, બ્રેઇલ લિપિમાં સાઇનેજીસ અને ગ્રેબ બાર જેવી વિશેષ સુવિધાઓ પણ ઊભી કરવામાં આવશે.

 

પ્રથમ માળે ડ્રાઇવર-કંડક્ટર માટે લોકર અને ટોઇલેટ સહિતના અલાયદા રેસ્ટરૂમ તેમજ લાઇન ચેકિંગ સ્ટાફ માટેની સુવિધાઓ તૈયાર કરવામાં આવશે.

 

આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી સુરજભાઈ વસાવા, વિભાગીય નિયામકશ્રી પંકજભાઈ ગુર્જર, વિભાગીય પરિવહન અધિકારીશ્રી વિનુભાઈ ચૌધરી, એસ.ટી. નિગમનો સ્ટાફ તેમજ મુસાફરો-નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

○○○

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *