તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૫. :- મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના લોકાભિમુખ વહીવટ અને નાગરિકોના પડતર પ્રશ્નોના ત્વરિત નિવારણના અભિગમ હેઠળ, તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને બુધવારે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ કુલ ૨૪ જેટલા પ્રશ્નો અને રજૂઆતો અંગે ઉપસ્થિત અરજદારોના પ્રશ્નોને રૂબરૂ સાંભળ્યા હતા. જેમાં જમીન દબાણ દૂર કરવા, ૭/૧૨ ના ઉતારા અને જમીન દસ્તાવેજો મેળવવા, સિંચાઈની નોંધ પાડવા, પુલ અને રસ્તાના કામો, હેન્ડપંપ/બોરની મંજૂરી, પાક નુકસાની અને પશુપાલકોના પ્રશ્નો, નિવૃત્તિ બાદના પેન્શન લાભો તેમજ વહીવટી બાબતો સહિતના વિવિધ વિષયો પરની રજૂઆતોને કલેક્ટરશ્રીએ સંવેદનશીલતાપૂર્વક સાંભળી હતી.
કલેક્ટરશ્રીએ દરેક અરજદારની રજૂઆતને ધ્યાનપૂર્વક સાંભળીને સ્થળ પર જ સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. તેમણે તમામ પડતર પ્રશ્નોનો નિયમોનુસાર, હકારાત્મક અને સમયમર્યાદામાં નિકાલ લાવવા માટે સંબંધિત અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સાથે જ, જે પ્રશ્નોમાં નીતિવિષયક નિર્ણય, તકનીકી તપાસ કે મંજૂરીની જરૂરિયાત જણાઈ, તેવા પ્રશ્નો અંગે અરજદારોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમજ નિયમોનુસાર વહેલી તકે તેનો યોગ્ય નિકાલ લાવવા સંબંધિત અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ સિસલે, નિવાસી અધિક કલેકટરશ્રી આર. આર. બોરડ, જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ, તાલુકા કક્ષાના અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
○○○
