તાપી જિલ્લામાં ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી થશે
Contact News Publisher

‘જનજાતિય ગૌરવ દિવસ-૨૦૨૬’ અને સપ્તાહની ઉજવણી સંદર્ભે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 12. – રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 151 મી જન્મજયંતિ નિમિત્તે તાપી જિલ્લામાં જનજાતિય ગૌરવ દિવસ 2026 તથા જનજાતિય ગૌરવ સપ્તાહની ઉજવણી પ્રસંગે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષતામાં ગુરુવારે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી.
આ પત્રકાર પરિષદને સંબોધતા પ્રભુભાઈ વસાવાએ જણાવ્યુ કે, આદિવાસી સમાજના ગૌરવ અને મહાન ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતીના અવસરે તાપી જિલ્લામાં ૧૨ નવેમ્બર થી ૧૮ નવેમ્બર, ૨૦૨૬ સુધી ‘રાષ્ટ્રીય જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવણી થશે.
પત્રકાર પરિષદને સંબોધતા સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું કે, માત્ર ૨૫ વર્ષની નાની વયે અંગ્રેજો સામે જળ, જંગલ અને જમીન માટે અદભુત લડત આપનાર ભગવાન બિરસા મુંડાજી સહિત આદિવાસી ક્રાંતિકારીઓના અમૂલ્ય યોગદાનને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા. ૧૫ નવેમ્બરને ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે જાહેર કરીને ઐતિહાસિક સન્માન આપ્યું છે.
પત્રકાર પરિષદને સંબોધતા સાંસદશ્રીએ કહ્યુ કે, તાપી જિલ્લામાં જિલ્લાકક્ષાના કાર્યક્રમોમાં વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ કુલ રૂ. ૩૪૨.૧૨ લાખથી વધુની સહાયનું વિતરણ કરાશે. જેમાં વન અધિકાર અધિનિયમ-૨૦૦૬ હેઠળ ૧,૬૦૪.૮૩ હેક્ટર જમીન માટે ૧,૭૩૯ નવા વન અધિકાર પત્રો અને ૪,૨૦૪ ROR નું વિતરણ, વ્યક્તિગત મકાન સહાય યોજના હેઠળ ૩૬૮ લાભાર્થીઓને રૂ. ૧૧૦.૪૦ લાખ, કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ ૪૦ લાભાર્થીઓને રૂ. ૪.૮૦ લાખ, વેલાવાળા શાકભાજી યોજના હેઠળ ૪૩ લાભાર્થીઓને રૂ. ૬.૨૬ લાખ, ફળાદ્રુપ ઝાડના રોપા યોજના હેઠળ ૨૭૭ લાભાર્થીઓને રૂ. ૩૧ લાખ તથા સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ ૩૨૭ લાભાર્થીઓને રૂ. ૧૮૯.૬૬ લાખની સહાય અપાશે.
વધુમાં, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે છોટાઉદેપુર ખાતેથી તાપી જિલ્લાના કુલ રૂ. ૧૯૮.૭૯ કરોડના ૫ વિકાસલક્ષી પ્રકલ્પોનું ઇ-ખાતમુહૂર્ત તેમજ પી.એમ. જનમન યોજના હેઠળ રૂ. ૩.૬૦ કરોડના ખર્ચે ૬ મલ્ટી પર્પઝ સેન્ટરનું ઇ-લોકાપર્ણ કરવામાં આવશે.
સાથે જ, તાપી જિલ્લામાં સાપ્તાહિક હાટ ખાતે બંધારપાડા (સોનગઢ), બોરડા (ઉકાઈ) અને ડોલારા (વ્યારા) એમ ત્રણ સ્થળોએ વનસંજીવની યોજનાઓ અને સ્વસહાય જૂથોની વસ્તુઓના પ્રદર્શન-વેચાણ માટે ‘માં શબરી બૂથ’ શરૂ કરાશે.
જિલ્લામાં તા. ૧૨ થી ૧૮ નવેમ્બર દરમિયાન યોજાનાર ‘જનજાતિય ગૌરવ સપ્તાહ’ અંતર્ગત તા. ૧૩ના રોજ યુવા સંમેલન, તા. ૧૪ના રોજ સ્વચ્છતા અભિયાન, સાધુ-સંતોનું સન્માન અને દીપોત્સવ, તા. ૧૬ના રોજ પ્રબુદ્ધ નાગરિક સંમેલન, તા. ૧૭ના રોજ પરંપરાગત રમતોત્સવ તથા તા. ૧૮ નવેમ્બરના રોજ મહિલા સંમેલન યોજાશે.
નોંધનીય છે કે, આગામી ૧૫ નવેમ્બરના રોજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (છોટા ઉદેપુર) અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી (વલસાડ) સહિત મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાનાર આ ઉજવણી અંતર્ગત રાજ્યમાં રૂ. ૨,૩૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.
તાપી જિલ્લાના તમામ કાર્યક્રમોના સુચારુ સંચાલન માટે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ સિસલેએ પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અધિકારીઓને પરિવહન, ભોજન, આરોગ્ય, પ્રાથમિક સુરક્ષા સહિતની આનુષાંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે સૂચનો કર્યા છે.
આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાને જન-જન સુધી પહોંચાડતા આ મહાઅભિયાનમાં જિલ્લાના તમામ નાગરિકો, યુવાનો અને સંસ્થાઓને ઉત્સાહભેર સહભાગી થવા જનપ્રતિનિધિશ્રીઓ, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
પત્રકાર પરિષદમાં ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી, જિલ્લા અગ્રણીશ્રી સુરજભાઈ વસાવા, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર.બોરડ સહિતના ઉચ્ચ અધિકારીશ્રી, સહાયક માહિતી નિયામકશ્રી સુમિત ગોહિલના માર્ગદર્શન હેઠળ જિલ્લા માહિતી કચેરીના કર્મીઓ તથી પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
○○○
