છેડતીની રજૂઆત મળતાં તાત્કાલિક મદદે પહોંચી તાપી 181 અભયમ ટીમ
181

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 15. તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના એક ગામમાંથી મહિલાએ ગામના એક વ્યક્તિ દ્વારા છેડતી કરવામાં આવતી હોવાની રજૂઆત સાથે 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર સંપર્ક કરીને મદદ માંગી હતી. કોલ મળતાં જ તાપી 181 અભયમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી મહિલાને જરૂરી સહાય પૂરી પાડી હતી.
મહિલાની રજૂઆત મુજબ, તેઓ પોતાના ઘરે દુકાન ચલાવે છે. ગામનો એક વ્યક્તિ વારંવાર તેમની દુકાને આવતો હતો અને અયોગ્ય ટિપ્પણીઓ કરતો હોવાની રજૂઆત તેમણે કરી હતી. અગાઉ આ અંગે પરિવારને જાણ કર્યા બાદ, ઘટનાના દિવસે મહિલા ઘરે એકલાં હતાં ત્યારે તે વ્યક્તિ ઘરમાં પ્રવેશીને તેમની સાથે શારીરિક અડપલાં કર્યાં હોવાની રજૂઆત પણ કરી હતી.
ઘટનાની જાણ થતાં 181 અભયમ ટીમે મહિલાની રજૂઆત સાંભળી તેમને જરૂરી કાઉન્સેલિંગ પૂરું પાડ્યું હતું. સાથે જ મહિલાઓના કાયદાકીય અધિકારો, વ્યક્તિગત સુરક્ષા અને ઉપલબ્ધ કાયદાકીય ઉપાયો અંગે માર્ગદર્શન આપ્યું હતું. મહિલાએ કાયદેસરની કાર્યવાહી કરવાની ઇચ્છા વ્યક્ત કરતાં ટીમે તેમને કુકરમુંડા પોલીસ સ્ટેશનમાં અરજી આપવા માટે જરૂરી સહાય કરી હતી. આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવશે.
181 અભયમ મહિલા હેલ્પલાઇન મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓને કાઉન્સેલિંગ, કાયદાકીય માર્ગદર્શન અને જરૂરિયાત મુજબ સંબંધિત તંત્ર સાથે સંકલન કરીને સહાય પૂરી પાડે છે. મહિલાઓને છેડતી, હેરાનગતિ કે અન્ય કોઈ મુશ્કેલીના સમયે મદદ માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવે છે.
●●●
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
