તાપીમાં યોજાયેલી ૫૨મી જુનિયર રાજ્યકક્ષાની કબડ્ડી સ્પર્ધામાં વિવિધ જિલ્લાઓની ૨૨ મહિલા ટીમોએ ભાગ લીધો

0
તાપીમાં યોજાયેલી ૫૨મી જુનિયર રાજ્યકક્ષાની કબડ્ડી સ્પર્ધામાં વિવિધ જિલ્લાઓની ૨૨ મહિલા ટીમોએ ભાગ લીધો
Contact News Publisher

રમતગમત ક્ષેત્રે મળતી સુવિધાઓનો લાભ લઈ ખેલાડીઓ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ આગળ વધે – ચંચળબેન ચૌધરી, જિલ્લા પંચાયત પ્રમુખ, તાપી  

— 

તાપીમાં રાજ્યકક્ષાની મહિલા કબડ્ડી સ્પર્ધામાં ખેલાડીઓએ પોતાની રમત પ્રતિભાને પ્રતિબિંબિત કરી 

—

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) :  તા. ૦૩ :- ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશન માન્ય તાપી જિલ્લા કબડ્ડી એસોસિએશન દ્વારા આયોજિત ૫૨મી જુનિયર રાજ્યકક્ષાની કબડ્ડી સ્પર્ધા (બહેનો)નું આયોજન તાપી જિલ્લા રમત સંકુલ ખાતે શનિવારે કરવામાં આવ્યું હતું.

 

આ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ગુજરાતના વિવિધ કુલ ૨૨ જિલ્લાઓની મહિલા ટીમોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંચળબેન ચૌધરી અને ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીએ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

 

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંચળબેન ચૌધરીએ જણાવ્યું કે, ગુજરાત સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રે ખેલાડીઓને વિવિધ સુવિધાઓ અને તકો ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ખેલાડીઓએ આ સુવિધાઓનો મહત્તમ લાભ લઈ પોતાની રમતગમતની પ્રતિભાને વધુ નિખારવી જોઈએ અને રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ આગળ વધવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. તેમણે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

 

ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીએ ખેલાડીઓને રમતગમતની ભાવના સાથે ઉત્સાહપૂર્વક શ્રેષ્ઠ પ્રદર્શન કરવા તેમજ પોતાની રમતગમતની પ્રતિભાથી રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ નામ રોશન કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

 

આ તકે તાપી જિલ્લાના ભૂતપૂર્વ નેશનલ તેમજ વર્તમાન કબડ્ડી ખેલાડીઓનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટ્રોફી અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. રમતગમત ક્ષેત્રે ખેલાડીઓ દ્વારા કરાયેલી સિદ્ધિઓને બિરદાવી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. રાજ્યકક્ષાની આ સ્પર્ધા યુવા મહિલા ખેલાડીઓને પોતાની પ્રતિભા અને રમતગમતની કુશળતા દર્શાવવા માટે મહત્વપૂર્ણ મંચ પૂરું પાડશે.

 

આ પ્રસંગે સોનગઢ નગરપાલિકા પ્રમુખશ્રી સરિતાબેન પાટીલ, જિલ્લાના અગ્રણીશ્રી સુરજભાઈ વસાવા, પદ્મશ્રી રમિલાબેન ગામીત, વ્યારા નગરપાલિકા ઉપપ્રમુખશ્રી, ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશનના હોદ્દેદારો, તાપી જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ચેતન પટેલ, યુવા વિકાસ અધિકારીશ્રી અમૃતા ગામીત, તાપી જિલ્લાના વિવિધ હોદ્દેદારો, વિવિધ જિલ્લાઓમાંથી ઉપસ્થિત રમતવીર બહેનો, રેફરીશ્રીઓ, કોચશ્રીઓ તેમજ રમતગમત વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *