કેજીબીવીની દીકરીઓની રક્ષાબંધનની અનોખી ઉજવણી

તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયાને રાખી બાંધી તેમના દીર્ઘાયુ અને સફળતાની મંગલ કામના કરી
—
જેલના કેદીઓને રાખડી બાંધી સામાજિક સુધારણા અને સમરસતાનો સંદેશ આપ્યો
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૫ :- ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ તાપી જિલ્લાના કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની દીકરીઓ દ્વારા રક્ષાબંધનના પાવન પર્વની અનોખી અને પ્રેરણાદાયી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામ નિવાસ બુગાલિયાને દીકરીઓએ જાતે તૈયાર કરેલી રાખડીઓ બાંધીને સનદી અધિકારીઓના દીર્ધાયુ અને સફળતાની મંગલકામના સાથે તેમના થકી તાપી જિલ્લાના સર્વાંગી વિકાસની મનોકામના કરી હતી.

આ તકે બંને સનદી અધિકારીશ્રીઓએ દીકરીઓને ભણીગણીને ખૂબ આગળ વધે તેમજ તેવા આશીર્વાદ આપી ખાસ ભેટ આપી હતી. સાથે જ દીકરીઓની સુરક્ષા અને શિક્ષણ માટે વહીવટી તંત્ર હંમેશાં તેમની પડખે રહેશે તેવી ખાતરી આપી હતી.
ત્યારબાદ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની દીકરીઓએ રક્ષાબંધનને સામાજિક સુધારણાના ઉત્સવ તરીકે ઉજવતા જિલ્લા જેલની ખાસ મુલાકાત લીધી હતી. “કોઈ વ્યક્તિ જન્મથી ગુનેગાર હોતી નથી, પરંતુ એક બહેનનો પવિત્ર પ્રેમ તેનામાં હૃદય પરિવર્તન આણી શકે છે” એવા ઉમદા ભાવ સાથે દીકરીઓએ જેલમાં બંધ કેદી ભાઈઓને રક્ષાસૂત્ર બાંધ્યું હતું. બહેનોના આ નિઃસ્વાર્થ પ્રેમને જોઈને અનેક કેદીઓ અત્યંત ભાવુક બની ગયા હતા અને તેમની આંખો ભીની થઈ ગઈ હતી.
આ ભાવનાત્મક મિલન દરમિયાન KGBVની દીકરીઓએ કેદી ભાઈઓને ભવિષ્યમાં વ્યસનમુક્ત રહેવા, ગુનાખોરીનો માર્ગ છોડી સન્માર્ગે ચાલવા અને સમાજમાં સારું જીવન જીવવા માટેના શપથ લેવડાવ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. વર્ષાબેન તેમજ KGBVના વોર્ડનશ્રી લતાબેન, હેતલબેન અને મનીષાબેન,વોર્ડનમાં શર્મિલાબેન, નિર્મળાબેન, યશોદાબેન, સંગીતાબેન ઉપસ્થિત રહ્યા હતા.
●○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
