તિરંગા યાત્રામાં ભાગ લેવા શૂટિંગ પ્લેયર્સનો સંદેશ – “તિરંગા યાત્રામાં અમે પણ જોડાવાના છીએ, તમે પણ જોડાજો”

પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ અને મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં વ્યારામાં તિરંગા યાત્રાનો પ્રસ્થાન કરાશે
—
વ્યારા ખાતે ‘હર મન તિરંગા, હર ઘર તિરંગા’ અંતર્ગત ‘તિરંગા યાત્રા-૨૦૨૬’નું ભવ્ય આયોજન
—
૧૩મીએ સવારે ૧૧ કલાકે ઉનાઈ નાકાથી પ્રસ્થાન કરશે ભવ્ય તિરંગા યાત્રા
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 12. તાપી જિલ્લામાં ‘હર મન તિરંગા, હર ઘર તિરંગા’ અંતર્ગત ‘વંદે માતરમ્’ની ભાવનાને સમર્પિત ભવ્ય તિરંગા યાત્રા તા. ૧૩ ઓગસ્ટના રોજ સવારે ૧૧:૦૦ કલાકે સ્વામી વિવેકાનંદ રીવરફ્રન્ટ બસ સ્ટેન્ડ, ઉનાઈ નાકા ખાતેથી પ્રસ્થાન કરશે. આ પ્રસંગે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને રમતગમત, યુવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીત ઉપસ્થિત રહેશે.
તિરંગા યાત્રા સ્વામી વિવેકાનંદ રીવરફ્રન્ટ બસ સ્ટેન્ડ (ઉનાઈ નાકા, વ્યારા) થી શરુ થઈ અંબાજી મંદિર, સ્વામી નારાયણ મંદિર, જુના બસ સ્ટેન્ડ, સયાજી મેદાન, જુનાહાઈવે ઈન્ડીયન ઓઈલ પેટ્રોલ પંપ થઈ પુનઃ સ્વામી વિવેકાનંદ રીવરફ્રન્ટ બસ સ્ટેન્ડ ખાતે સંપન્ન થશે.
આ તકે શૂટિંગમાં પોતાની કારકિર્દી ઘડતી ડીએલએસએસ પ્લેયર ચૌહાણ કૃષ્ણાએ દરેક નાગરિકને તિરંગા યાત્રાનો ભાગ બનવા માટે આહ્વાન કરતાં જણાવ્યું કે, આપણા દેશની શાન એવા તિરંગાના સન્માનમાં યોજાઈ રહેલી આ તિરંગા યાત્રામાં અમે પણ જોડાવાના છીએ. દરેક જિલ્લાવાસી આ તિરંગા યાત્રામાં જોડાઈને દેશભક્તિના આ મહાપર્વને યાદગાર બનાવે…
વ્યારા DLSS રાઈફલ શૂટિંગના કોચ ઉર્મિલા મહાતોએ પણ યુવાનો અને સ્થાનિક રહીશોને આ હર ઘર તિરંગા અભિયાનમાં ઉત્સાહભેર સહભાગી થવા અપીલ કરતા કહ્યુ કે, રમતગમત હંમેશા શિસ્ત અને દેશપ્રેમ શીખવે છે, ત્યારે આપણા રાષ્ટ્રધ્વજ પ્રત્યે આદર અને એકતા વ્યક્ત કરવાનો આ ઉત્તમ અવસર છે. અમે તિરંગા યાત્રામાં જોડાવવાના છે, આ યાત્રામાં જિલ્લાના પ્રત્યેક નાગરિકની ભાગીદારી જરૂરી છે.
ઉનાઈ નાકાથી શરૂ થઈને શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થનારી આ તિરંગા યાત્રામાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, રમતવીરો, સામાજિક સંસ્થાઓ અને સામાન્ય નાગરિકો જોડાશે. હાથમાં લહેરાતો રાષ્ટ્રધ્વજ અને ‘ભારત માતા કી જય’ના નારાઓ સાથે આખું વ્યારા દેશભક્તિના રંગે રંગાશે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
