ભાંડુત ગામનાં કીર્તન પટેલે ગિનીશ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી ગામ અને શાળાનું ગૌરવ વધાર્યું

અગાઉ પિતા ધર્મેન્દ્ર પટેલે પ્લાસ્ટિક મુક્ત ભારત અંતર્ગત બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવેલ છે
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૦૮. ઓલપાડ તાલુકાનાં ભાંડુત ગામનાં વતની તથા હાલ લોકમાન્ય વિદ્યાલયમાં ધોરણ–8 માં અભ્યાસ કરતાં કીર્તનકુમાર ધર્મેન્દ્રભાઈ પટેલે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજિત વિશિષ્ટ કાર્યક્રમમાં 315 સંસ્કૃત શ્લોકો કંઠસ્થ કરી ગિનીશ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. વડોદરા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં તેમની અદભૂત સ્મરણશક્તિ, અવિરત મહેનત, નિયમિત અભ્યાસ અને ધાર્મિક સંસ્કારોએ સૌને મંત્રમુગ્ધ કરી દીધાં. આ ગૌરવપૂર્ણ સિદ્ધિથી માત્ર તેમનાં પરિવારનું જ નહીં, પરંતુ ભાંડુત ગામ, ઓલપાડ તાલુકા, સુરત જિલ્લાની સાથે લોકમાન્ય વિદ્યાલયનું નામ પણ ગૌરવભેર ઉજ્જ્વળ બન્યું છે. નાની ઉંમરે પ્રાપ્ત કરેલી આ અનોખી સફળતા અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનું જીવંત ઉદાહરણ છે. કીર્તનકુમારની આ ઉપલબ્ધિ બદલ ગામજનો, શિક્ષકો, શાળા પરિવાર અને શુભેચ્છકોએ હર્ષ વ્યક્ત કરી તેમનાં ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
