ગુરૂપૂર્ણિમાનાં શુભ અવસરે મહોણી પ્રાથમિક શાળાનાં કેન્દ્ર શિક્ષક પ્રવિણભાઈ ત્રિવેદીનો વયનિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો

0
ગુરૂપૂર્ણિમાનાં શુભ અવસરે મહોણી પ્રાથમિક શાળાનાં કેન્દ્ર શિક્ષક પ્રવિણભાઈ ત્રિવેદીનો વયનિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૨૯.  ચોર્યાસી તાલુકાની મહોણી પ્રાથમિક શાળાનાં કેન્દ્ર શિક્ષક પ્રવિણભાઈ મૂળશંકર ત્રિવેદી 30 જૂન 2026 નાં રોજ 39 વર્ષની અમૂલ્ય સેવા પૂર્ણ કરી વયનિવૃત્ત થયાં. તેઓની નિવૃત્તિ નિમિત્તે મગનવાડી, બારડોલી-કડોદરા રોડ ખાતે એક ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. સદર સમારોહમાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં સિનિયર કાર્યવાહક પ્રમુખ બળવંતભાઈ પટેલ, મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, બીટ નિરીક્ષકો, તેમનાં પરિવારજનો ઉપરાંત મોટી સંખ્યામાં શિક્ષક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે સમારોહનાં અધ્યક્ષ એવાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે શિક્ષકોનાં ઉત્થાન માટેની પ્રવિણભાઈની ભાવનાને પગલે તેઓ તાલુકા ઉપરાંત જિલ્લા કક્ષાનાં શિક્ષક સંગઠનનાં પ્રહરી તરીકે બિનહરીફ ચૂંટાયા. તાલુકાથી રાજ્ય સ્તર સુધી શિક્ષકોનાં હિત માટે તેમણે ભજવેલી નીડર અને ન્યાયસંગત ભૂમિકા સદાય સ્મરણીય રહેશે. તેમણે આ તકે પ્રવિણભાઈની બી.આર.સી. કો-ઓર્ડિનેટર તરીકેની ઉત્કૃષ્ટ કામગીરીને પણ બિરદાવી હતી.

આ પ્રસંગે મોહણી પ્રાથમિક શાળા પરિવાર સહિત ઉપસ્થિત મહાનુભાવોએ પ્રવિણભાઈને સન્માનપત્ર, શાલ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી બહુમાન કર્યું હતું. સમારોહમાં તેમનાં જીવનની સફળતાનાં પાયારૂપ માતા-પિતાનાં સંસ્કારો અને ધર્મપત્ની અંરૂણાબેનનાં અવિરત સહયોગને પણ બિરદાવવામાં આવ્યો. આયોજકોએ પ્રવિણભાઈને સુખદ, સ્વસ્થ અને દીર્ઘાયુ નિવૃત્ત જીવનની મંગલકામના પાઠવી હતી. તેમની 39 વર્ષની સેવાની સુવાસ સમાજમાં સદાય મહેકતી રહે તેવી અભ્યર્થના કરવામાં આવી. કાર્યક્રમને સફળ બનાવવા ચોર્યાસી પ્રાથમિક શિક્ષક સંઘ પરિવારે જહેમત ઉઠાવી હતી. ઉદઘોષક તરીકે યાસીનભાઈ મુલતાનીએ સેવા આપી હતી. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *