દોઢ વર્ષની સગી દીકરીના ખૂનના કેસમાં સગા બાપનો નિર્દોષ છુટકારો

0
Gateofdistrictandsessioncourttapi
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૯. તાપી જિલ્લામાં સોનગઢ તાલુકામાં વર્ષ 2025 ના અરસામાં દોઢ વર્ષની દીકરી ની હત્યાના કેસમાં મુખ્ય જિલ્લા સેશન્સ કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી ચુકાદો આપ્યો છે. સોનગઢના કુકડા ડુંગળી ગામમાં સગી દીકરીની હત્યાના આરોપમાં સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

મૃતકની માતા અરુણાબેને તારીખ 25 જાન્યુઆરી 2025 ના રોજ પોતાની દીકરીને સવારે 5:30 કલાકે દૂધ પીવડાવીને સુવડાવેલ હતી ત્યારબાદ તે ઘરમાં મળી આવેલ નહીં તે સમયે તેમના પતિ પણ તે જ રૂમમાં સૂતેલા હતા. ઘણી શોધખોળ કર્યા બાદ તેમની સામેના મકાનના ધાબા ઉપરની પાણીની ટાંકી માંથી દીકરીની લાશ મળી આવેલ તે સંબંધિત અજાણ્યા ઈસમ વિરુદ્ધ બી.એન.એસ. 2023 ની કલમ 103 (1) તથા 238(b) મુજબની ફરિયાદ નોંધાવેલ.

પોલીસે તપાસ કરી સગા બાપ વિરલભાઈ રમેશભાઈ ગામીતની ધરપકડ કરી તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ દાખલ કરેલ.

જે નામદાર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સોનગઢના જજ સાહેબશ્રી એ ફોજદારી કેસ નંબર નોંધી સદરહુ કેસ સેશન્સ અદાલતમાં ચલાવવાને પાત્ર હોય ભારતીય નાગરિક સુરક્ષા સહિતા ની કલમ 232 મુજબ કમિટલ હુકમ કરેલ. જે વ્યારા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં સેશન્સ કેસ નંબર 25 /2025 થી નોંધાયેલ.

ફરિયાદ પક્ષની દલીલ સંયોગીક પુરાવા, લાસ્ટ સીન ટુગેધર ની થીયરી ઉપર આધારિત હતો. ફરિયાદ પક્ષે ડોગ હેન્ડલરના પુરાવાને આધારે આરોપી દર્શાવેલ.

જ્યારે બચાવ પક્ષે ચીફ એલ.એ.ડી.સી. શ્રી નિલેશ જે. પટેલએ દલીલમાં જણાવેલ કે, ફરિયાદ પક્ષનો કેસ સંયોગીક પુરાવા ઉપર આધારિત હતો જે સંયોગી પુરાવાની કડી પુરવાર કરવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ નીવડેલ છે. ફરિયાદ પક્ષના કેસને કોઈપણ સાક્ષીઓએ સમર્થન પૂરું પાડેલ નથી. બાળકી અને પિતા જે રૂમમાં સુતા હતા તે રૂમ ખુલ્લો હતો, કોઈપણ વ્યક્તિ દાખલ થઈ શકે તેમ હતું. બાળકી ગુમ થયા બાદ આરોપીને જગાડતા તેઓ ગાઢ નિંદ્રામાંથી જાગેલા હતા તેવા પુરાવાને જોતા માત્ર આરોપી જ દોષીત હોવાનું શંકા રહિત સ્પષ્ટ બનતું નથી. ડોગ હેન્ડલર નો પુરાવો આરોપીને દોષિત ઠરાવવા માટે ખૂબ જ નબળો પુરાવો છે. તેમજ રી-કન્સ્ટ્રક્શન પંચનામાનો પુરાવો પુરાવામાં ગ્રાહ્ય નથી. આ કામે કોઈ નજરે જોનાર સાક્ષી નથી.

નામદાર સર્વોચ્ચ અદાલતનું બોધ ઉર્ફે બોધા અને બીજાઓ વિરુદ્ધ સ્ટેટ ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર ના ચુકાદામાં સંયોગીક પુરાવા ઉપર ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કરેલ છે.  ફરિયાદ પક્ષે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 103(1) તથા 238(b) ના આવશ્યક તત્વો પુરવાર કરવા ફરજિયાત હતાં.

નામદાર ગુજરાત હાઇકોર્ટ ના રામકિશોર ભરતસિંહ યાદવ વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાત અને બીજાઓ ના ચુકાદામાં રી-કન્સ્ટ્રક્શન પંચનામાં વિશે પ્રતિબંધિત થયેલ સિદ્ધાંત મુજબ પુરાવાકિય મૂલ્ય નથી કારણ કે તે માત્ર અને માત્ર પોલીસ અધિકારી રૂબરૂની ગુનાની કબુલાત સ્વરૂપનું નિવેદન હોય છે. જેથી તે પંચનામા રજૂ થતી બાબતોને પુરાવામાં ગ્રાહ્ય રાખી શકાય તેમ નથી. તેમજ રી-કન્સ્ટ્રકશન પંચનામું પ્રાથમિક ભાગનું તથા બીજા ભાગનું એમ બે ભાગમાં વહેંચાયેલું હોય છે જે રીતે કરવામાં આવેલ નથી.

આ ઉપરાંત ફરિયાદ વખતે સ્નિફર ડોગના ટ્રેકિંગ રિપોર્ટના પુરાવા ઉપર આધાર રાખેલ છે. જે નામદાર ગુજરાત હાઇકોર્ટના સ્ટેટ ઓફ ગુજરાત વિરુદ્ધ વિપુલભાઈ ભરતભાઈ બિન છપ્પનભાઈ પટની ના ચુકાદામાં સ્નીફર ડોગના ટ્રેકિંગ રિપોર્ટ તથા ડોગ હેન્ડલરના પુરાવાના મૂલ્ય વિશે પ્રસ્થાપિત કરેલી સિદ્ધાંત ધ્યાને લેવો જરૂરી બને છે. ડોગ હેન્ડલરના પુરાવાના આધારે પાણીના ટાંકીના ઢાંકણ ઉપરની સ્મેલ આપવામાં આવેલ તેને આધારે એક જેકેટ પકડેલ તે જેકેટ આરોપીનું હોવાનું જણાવવામાં આવેલ હતું. ડોગે આરોપીને વ્યક્તિગત રીતે શોધી બતાવ્યા હોય તેવું બનેલ નથી. આરોપીનો મરણ જનાર સાથે પિતા-પુત્રી નો સંબંધ ધરાવે છે. પુત્રીની ઉંમર દોઢ વર્ષની છે તેવા સંજોગોમાં પિતાના જેકેટ પરથી મરણ જનારનું સ્મેલનું મળી આવવું કુદરતી અને સ્વાભાવિક બાબત છે. જ્યારે બાળકી પાણીની ટાંકીમાં મળી આવી તે સમય દરમિયાન ઘણા બધા લોકો તે પાણીની ટાંકી પાસે ગયેલ તેવા સંજોગોમાં ડોગ સ્મેલ ટ્રેક કરી ફક્ત આરોપીનું જેકેટ પકડે એ માની શકાય તેમ નથી.

જેથી સદર ચુકાદા મુજબ સ્નીફર ડોગનો ટ્રેકિંગ રિપોર્ટ પુરાવા ગ્રાહ્ય હોવા છતાં પણ આવા એકમાત્ર પુરાવાને વિશ્વાસજન્ય અને આધારભૂત પુરાવાનું સ્થાન આપી આવા એકમાત્ર પુરાવા આધારે આરોપીને દોષિત ઠરાવવો સલામત જણાઈ આવતું નથી.

આમ બચાવ પક્ષના એલ.એ.ડી.સી.ના ચીફ નિલેશ જે. પટેલની દલીલો પ્રિન્સિપાલ એન્ડ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબ શ્રી તેજસ આર. દેસાઈ સાહેબ વ્યારાનાઓએ ગ્રાહ્ય રાખી આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી મુક્ત કરતો હુકમ કરવામાં આવેલ છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *