તાજેતરમાં ભારે વરસાદ વચ્ચે બેડચીતના અસરગ્રસ્તો સુધી પહોંચેલી આરોગ્ય ટીમને સલામ

લાભાર્થી રસીલાબેન ગામિતે પ્રશંસા કરતા કહ્યું, ભારે વરસાદમાં પણ આરોગ્યની ટીમે અમારી ચિંતા કરી
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૯. :- તાપી જિલ્લામાં હાલ વરસાદે પૂરતો વિરામ લીધો છે. પરંતુ, થોડા દિવસો અગાઉ ખાસ કરીને ડોલવણ તાલુકામાં પડેલા અતિશય વરસાદના કારણે માર્ગોની સ્થિતિ, પાણીનો નિકાલ અને નાગરિકોના સલામત સ્થળાંતરની સાથે તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોના આરોગ્યની પણ પૂરતી કાળજી લેવામાં આવી હતી.
વરસાદ દરમિયાન ડોલવણ તાલુકાના બેડચીત (પ્રધાનવાડી) ગામની સ્થિતિ પણ વિકટ બની હતી. આ મુશ્કેલ સમયમાં આરોગ્ય વિભાગની કામગીરી અંગે પોતાના પ્રતિભાવ રજૂ કરતાં ગામના રહેવાસી રસીલાબેન ગામિતે જણાવ્યું કે, બે દિવસથી સતત વરસતા વરસાદ વચ્ચે આરોગ્ય વિભાગની ટીમ અમારા ઘર સુધી પહોંચી હતી.
તેમણે કહ્યું કે, અમારા પરિવારની તબીબી તપાસ કરી જરૂરી દવાઓ તથા પાણીજન્ય રોગોથી બચવા માટે ORS ના પેકેટ્સ આપ્યા હતા. એટલું જ નહીં, દવાઓના ઉપયોગ અંગે પૂરી સમજણ આપીને અમને હિંમત આપી હતી. રસીલાબેને આરોગ્ય તંત્ર તથા વહીવટી તંત્રની આ ઝડપી કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. બેડચીત સબ-સેન્ટરના ફિમેલ હેલ્થ વર્કર તરૂણાબેન ચૌહાણે જણાવ્યું કે, રાત્રે બે વાગ્યાથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, છતાં સવારે ૭ વાગતાની સાથે જ અમારી આરોગ્ય ટીમે બેડચીત અને ભોજપુર ગામોમાં પગપાળા પહોંચી કામગીરી શરૂ કરી દીધી હતી. ટીમે ૨૧ જેટલા ઘરના ૮૮ નાગરિકો સુધી પહોંચીને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડી હતી.
ઉલ્લેખનીય છે કે, વાસ્મો સચિવશ્રી સ્તુતિ ચારણ, જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરી સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અનિલ વસાવા પોતે પણ જિલ્લામાં વરસેલા ભારે વરસાદને લઈને વિવિધ તાલુકાઓ તથા અસરગ્રસ્ત વિસ્તારો-ગામોની રૂબરૂ મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી. ચોમાસાની આ પરિસ્થિતિમાં કોઈ રોગચાળો ન ફેલાય તે માટે સમગ્ર તાપી જિલ્લામાં હાલ ૫૦૬ તબીબી ટીમો દિવસ-રાત સતત ખડેપગે હતી.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
