સ્થળાંતરગ્રસ્ત બાળકોને શાળા સાથે જોડવા શિક્ષણ વિભાગની અનોખી પહેલ

ઉચ્છલમાં ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ દરેક વિદ્યાર્થી, એસએમસી સભ્ય અને શિક્ષકને લીંબુના છોડનું વિતરણ કરાયું
—
જૂની કાચલી પ્રાથમિક શાળામાં બાલતરુ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૧૮. :- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ માં કે નામ’ અભિયાનના ભાગરૂપે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના જૂની કાચલી પ્રાથમિક શાળામાં ‘બાલતરુ વૃક્ષારોપણ કાર્યક્રમ-૨૦૨૬’ અંતર્ગત વિદ્યાર્થીઓના સ્થાયીકરણ અને સ્વાવલંબનને પ્રોત્સાહન આપતી આગવી પહેલ હાથ ધરવામાં આવી હતી.
રમત-ગમત, ઉદ્યોગ અને પ્રવાસન રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની પ્રેરણાથી તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. વર્ષાબેન વસાવાના માર્ગદર્શન હેઠળ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અરવિંદભાઈ ગામીતના સંકલનથી શાળાના તમામ વિદ્યાર્થીઓ, શાળા સંચાલન સમિતિ (એસએમસી) ના સભ્યો અને શિક્ષકોને વ્યક્તિગત રીતે લીંબુના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અરવિંદભાઈ ગામીતે વિદ્યાર્થીઓને ભણતર સાથે ગણતરનો સંદેશ આપતાં જણાવ્યું કે, શિક્ષણની સાથે વૃક્ષોનું જતન, મહેનત અને સ્વરોજગારની સમજણ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમણે આ પહેલને ધરતી આબા જનજાતીય ગૌરવ અભિયાન સાથે જોડાયેલી મહત્વપૂર્ણ પ્રવૃત્તિ ગણાવી હતી.
ઉચ્છલ તાલુકાના ૯૦ ટકા આદિમજુથની વસ્તી ધરાવતા જૂની કાચલી ગામમાં સ્થળાંતરના કારણે બાળકોના શિક્ષણ પર અસર ન થાય તે માટે આ નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. લીંબુના રોપાના ઉછેર દ્વારા બાળકો અને તેમના પરિવારોમાં વૃક્ષ સંવર્ધન પ્રત્યે જાગૃતિ વધે, ભવિષ્યમાં આવકનું એક વધારાનું સાધન વિકસે અને બાળકોનું શાળા સાથે સતત જોડાણ જળવાઈ રહે તે હેતુથી ગ્રામજનોના સહયોગથી આ અભિયાન અમલમાં મૂકવામાં આવ્યું છે.
કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી નિલેશભાઈ ઢોડીયા તથા ધરતી એકતા ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેનશ્રી યોગેશ ગામીતના હસ્તે વિદ્યાર્થીઓને નોટબુક તેમજ વિવિધ પ્રકારના ફળાઉ, છાયાદાર અને સુશોભનના વૃક્ષોના રોપાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે ગ્રામજનોએ વૃક્ષોનું સંરક્ષણ અને ઉછેર કરવાનો સંકલ્પ વ્યક્ત કરી ‘એક પેડ મા કે નામ’ અભિયાનને સાર્થક બનાવ્યુ હતુ. આ પ્રકારની પહેલથી વિદ્યાર્થીઓમાં શાળા પ્રત્યે જોડાણ વધશે, નિયમિત હાજરીમાં વધારો થશે અને ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે સ્વાવલંબનની ભાવના પણ વિકસશે એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
