તાપી જિલ્લામાં વિવિધ પીએચસી ખાતે આરોગ્ય કાર્યકરો માટે ન્યુટ્રિશન અને હેલ્થ તાલીમ શિબિરો યોજાઈ

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૧૮. :- તાપી જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં માતા અને બાળ મરણ અટકાવવા તેમજ કુપોષણ મુક્ત સમાજના નિર્માણ અર્થે આરોગ્ય વિભાગ દ્વારા એક નવતર પહેલ અંતર્ગત જિલ્લાના સોનગઢ અને ઉચ્છલ તાલુકાના જામખડી તથા બંધારપાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિત તમામ તાલુકાઓમાં આશા વર્કર બહેનો, આંગણવાડી કાર્યકરો અને એએનએમ સ્ટાફ માટે ન્યુટ્રિશન અને આરોગ્યલક્ષી વિશેષ ક્ષમતા વર્ધન તાલીમ શિબિર યોજાઈ હતી.
તાલીમ દરમિયાન પ્રોજેક્ટર અને ડિજિટલ માધ્યમો દ્વારા નવજાત બાળકની સંભાળ અને માતાના દૂધના મહત્વ અંગે શોર્ટ ફિલ્મ પ્રસ્તુત કરાઈ હતી. ગ્રામ્ય સ્તરે પોષણનું સ્તર સુધારવાના આશય સાથે યોજાયેલી આ બેઠકોમાં તબીબી અધિકારીઓ દ્વારા ફિલ્ડ સ્ટાફને ગર્ભાવસ્થા દરમિયાન માતાને જરૂરી પોષક તત્વો, આયર્નની ગોળીઓનું વિતરણ અને બાળકના જન્મના પ્રથમ છ મહિના સુધી માત્ર સ્તનપાન કરાવવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં એનીમિયા અને કુપોષણનું પ્રમાણ ઘટાડવા માટે પાયાના સ્તરે કાર્યરત આશા અને આંગણવાડી બહેનો આગામી સમયમાં પોતપોતાના સેવા વિસ્તારમાં ગૃહ મુલાકાત વધારી સગર્ભા તથા ધાત્રી માતાઓને પોષણયુક્ત આહાર અને બાળ સંભાળ અંગે જાગૃત કરશે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
