પ્રગતિનો પ્રવેશોત્સવ : ઓલપાડ તાલુકામાં ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું સફળ સમાપન

શાળા છોડી ગયેલા બાળકોનાં પુનઃ પ્રવેશ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પર અધિકારીઓ-પદાધિકારીઓએ વિશેષ ભાર આપ્યો
દીકરીઓને શિક્ષણની સમાન તક મળે અને તેઓ આત્મનિર્ભર બને તે માટે કન્યા કેળવણી મહોત્સવ જેવાં કાર્યક્રમો મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યાં છે: ધારાસભ્ય મુકેશભાઈ પટેલ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૩૦ ઓલપાડ તાલુકામાં રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ત્રિ-દિવસીય કાર્યક્રમ દરમિયાન તાલુકામાં પૂર્વ રાજ્ય કક્ષાનાં મંત્રી અને વિસ્તારનાં ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, સાંસદ મુકેશભાઈ દલાલ ઉપરાંત સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ, સાયબર સેન્ટર ઓફ એકસેલેન્સ, ગાંધીનગરનાં વિવેક ભેડા (IPS), જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ, ગાંધીનગરનાં અલ્કેશ ચૌધરી (DS) સહિતનાં સનદી અધિકારીઓ ઉપરાંત ઓલપાડ તાલુકા પંચાયતનાં પ્રમુખ, ઉપપ્રમુખ તથા અન્ય હોદ્દેદારોએ વિવિધ શાળાઓની મુલાકાત લઈ બાળકોને શાળામાં વિધિવત પ્રવેશ કરાવ્યો હતો. સદર ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવનાં બીજા દિવસે સાંધિયેર ગામની પ્રાથમિક શાળામાં ઉપસ્થિત ધારાસભ્ય મુકેશભાઈ પટેલે જણાવ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલનાં દેશનાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૦૩માં રાજ્યમાં આ શૈક્ષણિક મહાપર્વની શરૂઆત કરવામાં આવી હતી, જેનાં પરિણામે આજે આ કાર્યક્રમ રાજ્યભરમાં એક જનઆંદોલન સ્વરૂપે ઉજવાઈ રહ્યો છે. તેમણે ઉમેર્યુ હતું કે આ ફક્ત નામાંકન નહીં, પરંતુ ગુણવત્તાયુક્ત શિક્ષણનાં ધ્યેય સાથે વિદ્યાર્થીને અપેક્ષિત પરિણામ સુધી પ્રથમ પગથિયું છે.
તાલુકાનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ આ ત્રિ-દિવસીય કાર્યક્રમ દરમિયાન ઓલપાડ તાલુકામાં રૂટનાં ગામોની આંગણવાડીમાં કુલ ૩૭૯ ભૂલકાઓ, બાલવાટિકામાં કુલ ૮૨૫ અને ધોરણ-૧ માં કુલ ૧૪૦ જેટલાં બાળકો તથા ધોરણ-૯ માં કુલ ૧૯૩૪ અને ધોરણ-૧૧ માં ૯૯૩ જેટલાં વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જ્યારે ૧૦૬ જેટલાં વિદ્યાર્થીઓને પુનઃપ્રવેશ આપવામાં આવ્યો હતો. કુલ ૨૧ જેટલી શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધાને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ મહાપર્વમાં વિવિધ શાળાઓને રૂપિયા ૮,૪૦,૧૧૨ રોકડ સ્વરૂપે જ્યારે રૂપિયા ૧૪,૨૪,૯૦૦ વસ્તુ સ્વરૂપે પ્રાપ્ત થયાં હતાં.
પ્રવેશોત્સવ કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લા પંચાયતનાં સભ્યો, સરપંચો, સ્થાનિક આગેવાનો, શિક્ષણ વિભાગનાં અધિકારીઓ, શિક્ષક ભાઈ-બહેનો, આંગણવાડી કાર્યકરો, વાલીજનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમ આનંદ, ઉત્સાહ અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનાં માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. પ્રવેશોત્સવનાં માધ્યમથી વધુમાં વધુ બાળકોને શિક્ષણનાં મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સાથે જ શિક્ષિત, સશક્ત અને પ્રગતિશીલ સમાજનાં નિર્માણ માટે સૌને સંકલ્પબદ્ધ બનવા આહવાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા બી.આર.સી. ભવન પરિવારનાં તમામ સી.આર.સી. કો-ઓર્ડિનેટર્સ, બી.આર.પી.ઓ, બ્લોક એમ.આઈ.એસ. સહિત ડેટા ઓપરેટરે ભારે જહેમત ઉઠાવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
