તાપી જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક યોજાઈ : અંદાજપત્ર રજૂ

Contact News Publisher

વર્ષ ૨૦૨૬-૨૭ માટે રૂ.૧૬૬૧ કરોડનું અંદાજપત્ર રજૂ કરાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.24: તાપી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલીયાની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી. સભામાં વર્ષ ૨૦૨૫-૨૬નું સુધારેલ તેમજ વર્ષ ૨૦૨૬-૨૭નું અંદાજપત્ર વિગતવાર ચર્ચા બાદ બહુમતીથી રજૂ કરવામાં આવ્યું હતું.

જેમાં વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુલ અંદાજપત્ર રૂ રૂ.૧૬૬૧ કરોડનું રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ઉઘડતી સિલક રૂ.૫૬૦.૯૫ કરોડ અને અંદાજિત આવક રૂ.૧,૧૦૧.૭૨ કરોડ ગણવામાં આવી છે. કુલ ખર્ચ રૂ. ૧,૦૮૦.૨૩ કરોડ રાખવામાં આવ્યો છે, જેના આધારે વર્ષ અંતે રૂ. ૫૮૧.૪૪ કરોડની બંધ સિલક સાથે પુરાંતવાળું અંદાજપત્ર રજૂ થયું છે.

જિલ્લા પંચાયતના સ્વભંડોળ હેઠળ ઉઘડતી સિલક રૂ. ૩.૧૪ કરોડ સાથે કુલ આવક રૂ.૭.૬૦ કરોડનું રાખવામાં આવ્યું છે. તેમાં રૂ. ૬.૮૯ કરોડ ખર્ચ રાખી રૂ. ૭૧.૫૫ લાખ બંધ સિલક દર્શાવવામાં આવી છે.

શિક્ષણ અને સહકાર ક્ષેત્રે રૂ. ૬૮.૨૮ લાખની જોગવાઇ કરવામાં આવી છે. જિલ્લા પંચાયત સંચાલિત છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ માટે નિભાવ ગ્રાંટ રૂ. ૧૨૦૦થી વધારી રૂ. ૧૫૦૦ પ્રતિ વિદ્યાર્થી કરવામાં આવી છે. આ વધારાની સવલત માટે વર્ષ ૨૦૨૬-૨૭માં અંદાજિત રૂ. ૫૧ લાખની જોગવાઇ કરવામાં આવી છે, જેનાથી આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે.
ખેતીવાડી, પશુપાલન અને સિંચાઇ ક્ષેત્રે રૂ. ૪૩.૦૫ લાખની જોગવાઇ કરવામાં આવી છે. જિલ્લા પંચાયત સંચાલિત સીડ ફાર્મ માટે સાધનોની ખરીદી તથા આધુનિક ખેતી સુવિધા માટે રૂ. ૪૧ લાખ જેટલા ખર્ચની જોગવાઇ કરવામાં આવી છે.

તે ઉપરાંત, વિકાસ કાર્યો માટે રૂ. ૧.૨૫ કરોડની જોગવાઇ અને જિલ્લા પંચાયતના સભ્યોને ખેતી અને નવી બાબતોના અભ્યાસ અર્થે પ્રેરણા પ્રવાસ માટે રૂ. ૧૫ લાખની જોગવાઇ પણ કરવામાં આવી છે.

સભામાં ઉપસ્થિત સભ્યોએ બજેટને વિકાસલક્ષી અને લોકકેન્દ્રિત ગણાવી સમર્થન વ્યક્ત કર્યું હતું. જિલ્લા પંચાયત દ્વારા શિક્ષણ, ખેતી અને ગ્રામ વિકાસને પ્રાથમિકતા આપી તાપી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.

બેઠકમાં જિલ્લા અગ્રણીશ્રી સુરજભાઈ વસાવા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મધુબેન ગામીત, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *