પલાશ પર્વમાં લોકડાયરાની રમઝટ જામી : તેજદાન ગઢવી અને સ્થાનિક તબલાવાદક અક્ષય પટેલની જુગલબંદીએ શ્રોતાઓને ઘેલું લગાડ્યું
લોકડાયરામાં આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને સાંસ્કૃતિ વારસાની અનુભૂતી કરતાં શ્રોતાઓ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.23 :- તાપી જિલ્લાના બાબરઘાટ મેદાન ખાતે આયોજિત ‘પલાશ પર્વ-૨૦૨૬’ અંતર્ગત યોજાયેલા ભવ્ય લોકડાયરામાં લોકપ્રિય કલાકાર તેજદાન ગઢવીએ પોતાની આગવી શૈલીથી આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને સમૃદ્ધ વારસાની અદભૂત અનુભૂતિ કરાવી હતી. આ સાંસ્કૃતિક સંધ્યામાં લોકગીતો, ભજન અને દેશભક્તિના સૂર રેલાવી તેજદાન ગઢવીએ સમગ્ર વાતાવરણને માટીની સુગંધથી મહેકતું કરી દીધું હતું. શ્રોતાઓએ પણ કલાકારોની પ્રસ્તુતિને તાળીઓના ગડગડાટથી વધાવી લઈ કાર્યક્રમનો ભરપૂર આનંદ માણ્યો હતો.
આ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના કલકવા ગામના ઉભરતા અને પ્રતિભાશાળી તબલાવાદક અક્ષય પટેલ રહ્યા હતા. તેજદાન ગઢવીના કંઠ અને અક્ષય પટેલના તબલાના તાલે એવી જમાવટ કરી હતી કે શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. રાગ અને તાલના આ અદભૂત સમન્વયે લોકડાયરાના રસિકો માટે સંગીતનો એક જીવંત અને યાદગાર અનુભવ રહ્યો હતો.
નોંધનીય છે કે, પલાશ પર્વના આ મંચ પરથી નામી કલાકારોની સાથે સાથે સ્થાનિક પ્રતિભાશાળી યુવાનોને પણ પોતાની કળા પ્રદર્શિત કરવાની તક મળી છે, જે જિલ્લા માટે ગૌરવની વાત છે. અક્ષય દિલીપભાઈ પટેલે તબલા પર અદભૂત તાલમેળ સર્જીને લોકગાયક તેજદાન ગઢવીના સંગીતને વધુ સમૃદ્ધ અને જીવંત બનાવ્યું હતું.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
