રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026 હેઠળ સોનગઢ એસટી બસ સ્ટેશન ખાતે જનજાગૃતિ ઝુંબેશ
એઆરટીઓ અને 108 ની ટીમ દ્વારા રોડ સેફ્ટી અંગે વિશેષ માર્ગદર્શન અપાયું
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 12. :- રાષ્ટ્રીય માર્ગ સલામત માસ 2026 અંતર્ગત સોનગઢ એસટી બસ સ્ટેશન ખાતે પરિવહન અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે મુસાફરો, ડ્રાઈવરોમાં ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃતિ લાવવાના આશય સાથે રોડ સેફ્ટી ઝુંબેશ હાથ ધરાયો હતો.
આ કાર્યક્રમમાં સહાયક મોટર વાહન નિરીક્ષક (AMVI) શ્રી જે. એલ. પંચાલે માર્ગ સલામતીના નિયમો, લાયસન્સના કાયદા અને ટ્રાફિક ચિહ્નોના મહત્વ વિશે વિગતવાર સમજણ આપી હતી. આ સાથે ૧૦૮ ની મેનેજમેન્ટ ટીમ દ્વારા અકસ્માતના સમયે ‘ગોલ્ડન અવર’ (પ્રથમ કલાક) ની અગત્યતા સમજાવી, ઈજાગ્રસ્ત વ્યક્તિને કેવી રીતે પ્રાથમિક સારવાર આપવી તેનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન મુસાફરોને જાગૃતિ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને અંતમાં ઉપસ્થિત તમામ લોકોએ સ્વયં અને અન્યોની સુરક્ષા માટે ટ્રાફિક નિયમોના પાલનના શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં આર.ટી.ઓ. અધિકારીઓ અને ૧૦૮ ની મેનેજમેન્ટ ટીમે ઉપસ્થિત રહીને એસટીના ચાલકો તેમજ મુસાફરોને માર્ગ સુરક્ષા અને અકસ્માત સમયે લેવાની તકેદારીઓ અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
