નિઝર તાલુકાના ગ્રામજનોને રૂ. ૭.૪૭ કરોડના ૧૩ વિકાસકામોની ભેટ આપતા રમતગમત રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીત
શિક્ષણ, આરોગ્ય અને માર્ગો જેવી પાયાની સુવિધાઓ પહોંચાડીને ગામડાઓના સર્વાંગી ઉત્કર્ષ માટે રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર – રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીત
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૧. :- રમતગમત રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે નવા વર્ષના પ્રારંભે તાપી જિલ્લાના નિઝર તાલુકાને અંદાજિત રૂ. ૭.૪૭ કરોડના ૧૩ જેટલા વિકાસકામોનું ખાતમુહૂર્ત કરીને ગ્રામજનોને ભેટ આપતા જણાવ્યું કે, રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી શિક્ષણ, આરોગ્ય અને માર્ગો જેવી પાયાની સુવિધાઓ પહોંચાડીને ગામડાઓના સર્વાંગી ઉત્કર્ષ માટે મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે.
શિક્ષણ અને ગ્રામીણ સુવિધાઓને પ્રાધાન્ય આપતા મંત્રીશ્રી ગામીતે રૂ. ૧.૧૯ કરોડના ખર્ચે અંતુર્લી પ્રાથમિક શાળાના ૬ નવા ઓરડા, રૂ. ૬૦ લાખના ખર્ચે સાયલા ખાતે લાઈબ્રેરી, રૂ. ૨૨ લાખના ખર્ચે આડદા ગામે નવીન પંચાયત ઘર અને રૂ. ૧૫ લાખના ખર્ચે અંતુર્લીમાં વાંચનાલયનું ખાતમુહૂર્ત કર્યું હતું.
આ ઉપરાંત, રૂ. ૧૫ લાખના ખર્ચે જૂના અંતુર્લીમાં સ્મશાનની કંપાઉન્ડ વોલના કામની શરૂઆત કરાવી પિપલોદ ખાતે નવનિર્મિત પ્રાથમિક શાળાનું લોકાર્પણ પણ કર્યું હતું.
ગામને મુખ્ય માર્ગો સુધી જોડવા માટે મંત્રીશ્રીએ માર્ગોના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું, જેમાં રૂ. ૧.૨૦ કરોડના ખર્ચે પથરાઈ ફાટા-સરવાળા માર્ગ, રૂ. ૧-૧ કરોડના ખર્ચે ચિચોદા-નંદુરબાર હાઈવે રોડ અને જૂના અંતુર્લી-હથોડા બ્રીજ રસ્તો તેમજ ૧ કરોડના ખર્ચે તૈયાર થનારા સુલાવાડા-વ્યાવલ હાઈવે રોડનો સમાવેશ થાય છે.
આ સાથે જ રૂ. ૫૫ લાખના ખર્ચે કોઠલી હનુમાન મંદિર ડામર રસ્તો અને રૂ. ૪૦ લાખના ખર્ચે નેવાળા એપ્રોચ રોડ નિર્માણ પામશે. મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીતના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન જિલ્લાના અગ્રણીશ્રી સુરજભાઈ વસાવા, સ્થાનિક અગ્રણી, આગેવાનો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
