રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના હસ્તે નિઝર તાલુકાના સાયલા ગામે રૂ. ૩૫ લાખના ખર્ચે નવનિર્મિત ‘આયુષ્માન આરોગ્ય મંદિર’નું લોકાર્પણ
બિન-ચેપી રોગોની સારવાર અને માર્ગદર્શન, હાઈપરટેન્શન અને ડાયાબિટીસ જેવા રોગોનું નિદાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ*
—
(પ્રતિનિધિ દ્વાર, વ્યારા) : ૦૧. :- તાપી જિલ્લાના છેવાડાના ગામો સુધી ઉત્તમ આરોગ્ય સુવિધાઓ પહોંચાડવાના આશય સાથે રમતગમત રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે નિઝર તાલુકાના સાયલા ગામે અંદાજિત રૂ. ૩૫ લાખના ખર્ચે નવનિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિર – પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું.
આ તકે મંત્રીશ્રીએ નવા સબ સેન્ટરનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરીને ત્યાંની ઉપલબ્ધ સુવિધાઓ વિશે વિગતવાર જાણકારી મેળવી હતી. આ કેન્દ્ર ખાતે સગર્ભા માતાઓની નિયમિત ANC તપાસ, બિન-ચેપી રોગોની સારવાર અને માર્ગદર્શન, હાઈપરટેન્શન અને ડાયાબિટીસ જેવા રોગોનું નિદાન, કુપોષણ નિવારણ માટે બાળકોની ખાસ સંભાળ તેમજ આરોગ્ય વિષયક સામુહિક જાગૃતતા જેવી સુવિધાઓ અને લાભ ગ્રામજનોને મળશે.
આ પ્રસંગે મંત્રીશ્રીએ ગ્રામજનો સાથે આત્મીય સંવાદ સાધી તેમની સાથે સમૂહ તસ્વીર ખેંચાવી હતી.
નોંધનીય છે કે, મંત્રીશ્રી ગામીતે નિઝર તાલુકામાં ગુરુવારે અંદાજિત રૂ. ૭.૪૭ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લાના અગ્રણી શ્રી સુરજભાઈ વસાવા, તાલુકા પંચાયતના સભ્યો, મેડિકલ ઓફિસર ડૉ. પરિમલ જે. પવાર, સાયલા ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
