કુદિયાણા સ્થિત ઉત્તર બુનિયાદી આશ્રમશાળા ખાતે બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ આયોજીત કરિયર મહોત્સવ સફળતાપૂર્વક સંપન્ન
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સમગ્ર શિક્ષા, ગાંધીનગર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, સુરત પ્રેરિત કરિયર મહોત્સવનું આયોજન બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા અત્રેની કાંઠા વિસ્તાર સ્થિત ઉત્તર બુનિયાદી આશ્રમશાળા, કુદિયાણા ખાતે સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કક્ષાનાં ક્લાસ ટુ ઓફિસર્સ, મહિલા અને બાળ સુરક્ષા કેન્દ્રનાં અધિકારીઓ, કુદિયાણાનાં સીઆરસી કો-ઓર્ડિનેટર અશોક પટેલ સહિત જિલ્લાનાં તમામ એઆરપી કરિયર કાઉન્સિલર મિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં. દીપ પ્રજ્વલન બાદ આશ્રમશાળાનાં આચાર્ય અલ્પેશ વાઘેરાએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યુ હતું. બીઆરસી કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે આવા કરિયર મહોત્સવ થકી વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી નિર્માણ સંબંધિત પ્રેરણા અને માહિતી મળી રહે છે.
અત્રે ઉપસ્થિત મોટીવેટર્સ પૈકી સાયન્ટિફિક ઓફિસર દિલ્પેશકુમાર પ્રજાપતિએ વિદ્યાર્થીઓને ફોરેન્સિક ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે લેવામાં આવતી પરીક્ષા તથા તેની તૈયારી બાબત, મહિલા અને બાળ સુરક્ષા કચેરીનાં સ્મિતાબેન પટેલ (DMC) એ જાતિગત સમાનતા અને કરિયર કાઉન્સિલ બાબત જ્યારે મહિલા અને બાળ સુરક્ષા કેન્દ્રનાં મહેશભાઈ પરમાર (જેન્ડર સ્પેશિયાલિસ્ટ) એ સાયબર સેફટી અંતર્ગત માર્ગદર્શિત કર્યા હતાં. શાળાનાં સૌ વિદ્યાર્થીઓ કાર્યક્રમથી ખૂબજ પ્રભાવિત થયા હતાં. અંતમાં આભારવિધિ તાલુકાનાં એઆરપી હેતલ પ્રજાપતિએ આટોપી હતી. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન નીતા ગજેરાએ કર્યુ હતું. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
