ડિજિટલ ક્રાંતિના પથ પર અગ્રેસર તાપી જિલ્લો : મહેસૂલી સેવાઓ ડિજિટલ થતાં તાપી જિલ્લાના અરજદારો સમયના માલિક બન્યા

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૨૦ :- વર્ષ ૨૦૨૫ માં પૂર્વ વડાપ્રધાનશ્રી અટલબિહારી વાજપાઈની ૧૦૦મી જન્મજયંતીની ઉજવણી થઈ રહી છે. આ ઉજવણીની સાથે સુશાસનને કેન્દ્રમાં રાખીને વિવિધ કાર્યક્રમો રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયા છે. જેનો એક માત્ર આશય પ્રજાકલ્યાણનો છે. પ્રજાકલ્યાણની વાત કરીએ તો ગુજરાત રાજ્ય સહિત તાપી જિલ્લાના નાગરિકોના પ્રશ્નોને વાચા આપવા, તેમના માટે સુવિધાઓનું નિર્માણ કરવું એ સરકાર તથા વહીવટી તંત્રની કામગીરી છે.

આજે તાપી જિલ્લો ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગના મંત્રને સાર્થક કરતા મહેસૂલ વિભાગમાં ઐતિહાસિક અને ક્રાંતિકારી સુધારાઓ કર્યા છે. આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી રાજ્યના નાગરિકો, ખેડૂતો અને અરજદારોને હવે સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળી છે. કારણ કે મહેસૂલી સેવાઓ વધુ પારદર્શક, ઝડપી અને સુલભ બની છે. અને નાગરિકો પોતાના સમયના માલિક બન્યા છે.

મહેસૂલ વિભાગ દ્વારા અમલમાં મૂકાયેલા મુખ્ય ડિજિટલ સુધારાઓ

i-ORA (ઈ-ઓરા) પોર્ટલ – ઘેર બેઠાં સરકારી સેવાઓનો લાભ

મહેસૂલ વિભાગના સંકલિત ‘i-ORA’ (ઇન્ટિગ્રેટેડ ઓનલાઈન રેવેન્યુ એપ્લિકેશન) પોર્ટલના માધ્યમથી હવે ઘણી બધી સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં બિનખેતી પરવાનગી, પ્રીમિયમની ચૂકવણી, જમીન માપણી, અને વારસાઈ નોંધ જેવી જટિલ પ્રક્રિયાઓ હવે સંપૂર્ણ ઓનલાઇન થઈ છે. નાગરિકો હવે ઘેર બેઠાં અરજી કરી શકે છે અને તેનું સ્ટેટસ પણ જાણી શકે છે.

ઓનલાઇન N.A. (બિનખેતી) પરવાનગી અને પારદર્શિતા

અગાઉ બિનખેતીની પરવાનગી મેળવવી એક જટિલ પ્રક્રિયા હતી. હવે આ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન કરવામાં આવી છે. બહુહેતુક ઉપયોગ માટેની N.A. પરવાનગી માટેની પ્રક્રિયા સરળ બનાવી, સમયમર્યાદામાં નિકાલ ન થાય તો ‘ડીમ્ડ પરમિશન’ ની જોગવાઈ પણ કરવામાં આવી છે, જે ભ્રષ્ટાચાર નિવારણમાં મહત્વનું પગલું છે.

ડિજિટલ લેન્ડ રેકોર્ડ્સ (e-Dhara & AnyROR)

ગુજરાત દેશનું એવું અગ્રણી રાજ્ય છે જેણે જમીનના રેકોર્ડ્સનું સંપૂર્ણ ડિજિટાઇઝેશન કર્યું છે. ‘AnyROR’ વેબસાઇટ અને એપ્લિકેશન દ્વારા કોઈપણ વ્યક્તિ દુનિયાના કોઈપણ ખૂણેથી પોતાના જમીનના ૭/૧૨, ૮-અ અને ગામ નમૂના નં. ૬ ના ઉતારા જોઈ શકે છે. હવે આ ઉતારા ‘ડિજિટલી સાઈન્ડ’ (QR કોડ સાથે) ઓનલાઇન ઉપલબ્ધ છે, જે કાયદાકીય રીતે માન્ય છે.

ગરવી ૨.૦ (Garvi 2.0) દસ્તાવેજ નોંધણી

સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયાને સરળ બનાવવા ‘ગરવી ૨.૦’ સોફ્ટવેર અમલમાં મૂકાયું છે. જેનાથી દસ્તાવેજની નોંધણી, સ્ટેમ્પ ડ્યુટીની ગણતરી અને પેમેન્ટ ઓનલાઇન થઈ શકતા સમયનો મોટો બચાવ થાય છે.

સ્વામિત્વ યોજના

ગ્રામ્ય વિસ્તારોમાં મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવા માટે ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી જમીન માપણી કરવામાં આવી રહી છે. આનાથી ગામડાના નાગરિકોને તેમની મિલકતનો કાયદેસરનો દસ્તાવેજ મળે છે અને બેંક લોન જેવી સુવિધાઓ સરળ બને છે.

ઓટો-મ્યુટેશન

બેંકો સાથેના જોડાણ દ્વારા જમીન પરના બોજાની નોંધણી અને બોજા મુક્તિની પ્રક્રિયા હવે ઓટોમેટિક થઈ ગઈ છે, જેનાથી ખેડૂતોને લોન લેતી કે ભરતી વખતે વારંવાર કચેરીએ જવું પડતું નથી.

આમ, ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે ડિજિટલ માધ્યમોના ઉપયોગથી તાપી જિલ્લાના વહીવટમાં પારદર્શિતા લાવીને “વિકસિત ગુજરાત” ના સંકલ્પને વધુ સુદ્રઢ બનાવ્યો છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *