પ્રાકૃતિક કૃષિથી જમીનની ફળદ્રુપતા, ઉત્પાદન, વેચાણ, આવક અને બજાર માંગ વધે છે – રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીત

Contact News Publisher

સુમુલ ડેરી શીત કેન્દ્ર સંકુલ ખાતે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ કરતાં મંત્રીશ્રી ગામીત

ઉચ્છલમાં રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ-વ-પ્રદર્શન’ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૯. :- ઉચ્છલ તાલુકાના સુમુલ ડેરી શીત કેન્દ્ર સંકુલ ખાતે જિલ્લા કક્ષાના ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ-વ-પ્રદર્શન અને પોષક અનાજ’ શિબિરમાં ઉપસ્થિત રહીને રમત, ઉદ્યોગ અને પ્રવાસન રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિથી જમીનની ફળદ્રુપતા, ઉત્પાદન, વેચાણ, આવક અને બજાર માંગ વધે છે. રાસાયણિક ખેતીના વિકલ્પ તરીકે ઝેરમુક્ત એટલે કે પ્રાકૃતિક ખેતી અપનાવી ખેતી ખર્ચમાં ઘટાડો કરીને જમીનની ફળદ્રુપતા વધારી શકાય છે.

વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે, પ્રાકૃતિક કૃષિથી જમીનની સાથે ઉત્પાદનની સાથે ગુણવત્તા વધે છે, વેચાણ સાથે આવક તો વધે જ છે, સાથે તેની બજારમાં માંગ પણ વધે છે. રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર પ્રાકૃતિક કૃષિને ખાસ મહત્વ આપી રહી છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પણ અગાઉ તાપી જિલ્લાની મુલાકાત લઈને ખેડૂતોને માર્ગદર્શન આપ્યું છે.

વધુમાં તેમણે ઉમેર્યું કે, કમોસમી વરસાદના લીધે પાક નુકસાનીની વ્યાપક સહાય, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ તેમજ અન્ય યોજનાઓ દ્વારા સરકારે ખેડૂતોની દરેક ચિંતાનું નિરાકરણ કર્યું છે.

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવાએ જણાવ્યું કે, ગુજરાત સરકાર જનજન સુધી લોકકલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા પ્રતિબદ્ધ છે. રાજ્ય સરકાર પ્રાકૃતિક કૃષિને પણ પ્રોત્સાહન આપી રહી છે, જે સ્વસ્થ અને તંદુરસ્ત સમાજના નિર્માણ માટે જરૂરી છે. ગાય આધારિત કૃષિથી ખેડૂતોના સમૃદ્ધિના દ્વાર પણ ખુલે છે.

નોંધનીય છે કે, મહાનુભાવોના હસ્તે પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મ બનાવવા માટે લાભાર્થીઓને રૂ. ૧૩,૫૦૦ની સહાય, આયુષ્માન ભારત યોજના તથા બાગાયત વિભાગ અંતર્ગત ફાર્મ મેકેનાઈઝેશન ઘટકમાં લાભાર્થીને રૂ. ૧,૬૯,૭૧૧ની સહાયના મંજૂરી ઓર્ડર એનાયત કરાયા હતા.

બારડોલીના ખેતી તાલીમ કેન્દ્રના નાયબ ખેતી નિયામકશ્રી એન. જી. ગામીત, વ્યારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. સી. ડી. પંડ્યા, વ્યારા ચોખા સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉ. પ્રકાશ પરમાર અને જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ચેતન ગરાસિયા સહિતના મહાનુભાવોએ પણ પ્રાકૃતિક કૃષિની જરૂરિયાત, પર્યાવરણ પ્રિય પાક સંરક્ષણ, મિલેટ્સનું મહત્વ તેમજ ખેતીલક્ષી વિવિધ યોજનાકીય લાભો અંગે જાણકારી આપી હતી.

આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટરશ્રી અલ્પેશભાઈ ગામીતે પણ પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજાવી ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું.

મહાનુભાવોના હસ્તે પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરાયું હતું. ઉપરાંત, તમામ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીથી થયેલા લાભો અંગે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. પ્રશ્નોત્તરી સત્ર દરમિયાન ખેડૂતોના મૂંઝવણભર્યા પ્રશ્નોનું માર્ગદર્શન દ્વારા નિરાકરણ લાવવામાં આવ્યું હતું.

અંતે મંત્રીશ્રીએ પ્રાકૃતિક કૃષિ આધારિત સ્ટોલ્સ, બાગાયત-ખેતીવાડી, આરોગ્ય તેમજ આઈસીડીએસના સ્ટોલ્સની મુલાકાત લઈને પ્રતિનિધિઓને નાગરિકો સુધી વધુમાં વધુ સરકારી યોજનાઓની માહિતી પહોંચાડવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે તાપી જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, ઉચ્છલ તાલુકા પંચાયત પ્રમુખશ્રી મંજુલાબેન વળવી, સરપંચશ્રી તારિકાબેન વસાવા, વિભાગીય અધિકારીઓ, કર્મચારીઓ, તાલુકાના જનપ્રતિનિધિઓ, હોદ્દેદારો, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો-ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *