ઓક્ટોબરમાં થયેલ કમોસમી વરસાદને કારણે પાક નુકસાની થયેલ તાપીના અસરગ્રસ્ત ખેડૂતોને સહાય પેકેજમાં અરજી કરવા અનુરોધ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૮ઃ ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્રારા રાજ્યમાં ખરીફ-૨૦૨૫ ઋતુમાં ઓક્ટોબર માસમાં થયેલ કમોસમી વરસાદને કારણે ઉદભવેલી અસાધારણ પરિસ્થિતિ ને ધ્યાને લઇ રાજયનાં ૩૩ જિલ્લામાં થયેલ પાક નુકસાન અંતર્ગત અસરગ્રસ્ત ખેડૂતોને મદદરૂપ થવા “કૃષિ રાહત પેકેજ ઓકટોબર-૨૦૨૫” જાહેર કરવામાં આવેલ છે.
આ પેકેજમાં તાપી જિલ્લાના તમામ તાલુકાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. ખરીફ ઋતુ-૨૦૨૫ માં વાવેતર હેઠળ પાકોમાં જેમાં ૩૩% કે તેથી વધુ નુકસાન થયેલ હોય તેના માટે રૂ. ૨૨,૦૦૦ પ્રતિ હેકટર લેખે વધુમાં વધુ બે હેકટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે.
પેકેજમાં સમાવેશ થયેલ તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં વાવેતર હેઠળના પાકોમાં થયેલ પાક નુકસાની વાળા અસરગ્રસ્ત ખેડૂતો માટે આ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે તારીખ: ૧૪/૧૧/૨૦૨૫ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાક થી ૧૫ દિવસ સુધી ડીજીટલ ગુજરાત પોર્ટલ પર VCE/VLE મારફત ઓનલાઇન અરજી કરવા માટે પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવેલ છે.
ઓનલાઇન અરજી કર્યા બાદ પ્રિન્ટ મેળવી સહી/અંગુઠો કરી અરજીની નકલ સાથે ગામ નમુના નં.૭/૧૨ અને ૮-અ, તલાટી કમ મંત્રીશ્રીનો નુકસાનગ્રસ્ત પાકના વાવેતર વિસ્તારનો દાખલો, આધારકાર્ડની નક્લ, મોબાઇલ નંબર, સેવિંગ બચત ખાતા ચાલુ હોય તે બેંક એકાઉન્ટ નંબર, IFSC CODE તથા નામ દર્શાવતી બેંક પાસબુકના પાનાની સ્વચ્છ નકલ, સંયુકત ખાતાના કિસ્સામાં સંયુકત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનો અન્ય ખાતેદારોની સહી વાળો ના-વાંધા અંગેનું સંમતિપત્ર વગેરે સાધનિક વિગતો સાથે આપના ગ્રામપંચાયત કે ઇ-ગ્રામ કેન્દ્ર ખાતેથી VCE/VLE મારફત અરજી કરવાની રહેશે.
આ સહાય PFMS મારફત DBT થી ચુકવણી કરવાની થતી હોય અરજદારે ખાસ પોતાનું સેવિંગ-બચત બેંક ખાતું તેમજ DBT એનેબલ (આધારકાર્ડ દ્રારા પેમેન્ટ આવે) હોય તેવું ચાલુ હોય તેજ વિગત ખાસ ચકાસણી અને ખાતરી કરીને જ અરજી કરવાની રહેશે. ખેડૂતોએ અરજી ફોર્મ ભરવા માટે કોઇ ચુકવણું કરવાનું રહેશે નહીં.
અરજી અંતર્ગતની સહાય ખેડાણ હેઠળના ખાતા દીઠ (ગામ નમૂના નં.૮/અ દીઠ) એક લાભાર્થી તરીકે ગણવાની રહેશે અને ખાતામાં એકથી વધુ ખેડૂતોનો સમાવેશ થતો હોય તો આ તમામ ખેડૂતો પૈકી કોઇ એક જ ખેડૂતને સહાય મળશે અને તેમણે ખાતાના અન્ય ખેડૂતોનું સંમતિપત્રક રજુ કરવાનું રહેશે. આ પેકેજ હેઠળ ખાતેદાર ખેડૂત એક કરતા વધુ ખાતા ધરાવતા હશે તો પણ એક જ ખાતા પર સહાય મળવાપાત્ર થશે.
ખાતેદારના મૃત્યુના કિસ્સામાં વારસદારો તરફથી પેઢીનામુ રજુ કરવાનું રહેશે. પેઢીનામા પૈકીના કોઇ એક વારસદાર તે ખાતાના અન્ય ખાતેદારોની સંમતિનું સોગંદનામુ રજુ કરી અરજી કરી શકશે. આ પેકેજ અંતર્ગત એક આધાર નંબર દીઠ એક જ વાર સહાય મળવાપાત્ર રહેશે.
ઓકટોબર-૨૦૨૫ માં થયેલ કમોસમી વરસાદથી પાક નુકસાની થયેલ તાપી જિલ્લાના તમામ ખેડૂતોને “કૃષિ રાહત પેકેજ ઓકટોબર-૨૦૨૫” હેઠળ સહાય મેળવવા VCE/VLE મારફત ઓનલાઇન અરજી કરવા જણાવવામાં આવે છે.
વધુ જાણકારી માટે ગામના તલાટી કમ મંત્રી/સીટી તલાટી (કસ્બા તલાટી)/ ગ્રામસેવક, વી.સી.ઇ, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી(ખેતી)/ તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
