ઓલપાડ બ્રાન્ચ પ્રાથમિક શાળામાં બાળકોને શ્રાધ્ધ પક્ષ નિમિત્તે તિથિ ભોજન આપવામાં આવ્યું
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : હિંદુ ધર્મનાં લોકોમાં શ્રધ્ધાથી પિતૃઓને જે અંજલિ આપવામાં આવે છે તેને શ્રાધ્ધ કહેવાય છે. મનુષ્ય માત્ર ઉપર મુખ્ય ત્રણ પ્રકારનાં ઋણ હોય છે. દેવ ઋણ, આચાર્ય ઋણ અને પિતૃ ઋણ. શ્રાધ્ધ પક્ષ દરમિયાન પિતૃઓને સાચું શ્રદ્ધા સુમન અર્પણ કરવાનાં ભાવ સાથે ઓલપાડ નગર સ્થિત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ બ્રાન્ચ પ્રાથમિક શાળામાં તિથિ ભોજન યોજવામાં આવ્યું હતું.
ઓલપાડ નગરમાં રામ ક્લિનિક ધરાવતાં ડો.ભાવેશ પટેલ દ્વારા તેમનાં પિતૃનાં મોક્ષાર્થે શાળામાં અભ્યાસ કરતાં બાળકો સહિત આંગણવાડીનાં તમામ ભૂલકાઓને દાળ, ભાત, શાક, પુરી, ખમણ તથા મિષ્ટાન્ન સહિતનું પૌષ્ટિક ભોજન આપવામાં આવ્યું હતું. તેમનાં નિવૃત્ત મામલતદાર એવાં સ્વર્ગસ્થ પિતા કાંતિભાઈ રામુભાઈ પટેલની 7 મી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ આ તિથિભોજન પ્રસંગે આ જ શાળાનાં નિવૃત્ત આચાર્ય એવાં તેમનાં માતા નીતાબેન પટેલ, ધર્મપત્ની ડો.નેહા પટેલ, સુપુત્ર પવનઅક્ષે શાળા સ્ટાફ સાથે ખડપગે રહીને બાળકોને ભાવપૂર્વક ભોજન પીરસ્યું હતું. શાળાનાં આચાર્યા હર્ષાબેન પટેલે શાળા પરિવાર વતી દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ: વિજય પટેલ (ઓલપાડ)
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
