બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા ત્રિદિવસીય ધોરણ ૧-૨ અધ્ધયન સંપુટ અને સામગ્રી પ્રશિક્ષણ તાલીમ વર્ગ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સમગ્ર શિક્ષણ વ્યવસ્થામાં તેમજ વ્યક્તિનાં કુલ શિક્ષણકાળમાં પાયાનાં વર્ષો એટલે કે ધોરણ-૧, ૨ અને તે પૂર્વેની બાલવાટિકાનાં વર્ષો અપેક્ષા મુજબની કેળવણી આપવા માટે ખૂબ મહત્ત્વનાં છે. આ વર્ષોમાં બાળક જે શીખે છે, સમજે છે, અવલોકન કરે છે તે મહદ્અંશે તેની સ્મૃતિમાં ચિરકાળ સુધી રહે છે. આવા સંજોગોમાં શિક્ષકની ભૂમિકા ખૂબ અગત્યની છે. આ સંદર્ભે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અનુસાર અભ્યાસક્રમની રચના કરવામાં આવી છે. જે અંતર્ગત બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા ત્રિદિવસીય ધોરણ ૧-૨ અધ્ધયન સંપુટ અને સામગ્રી પ્રશિક્ષણ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પરીયા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ સમગ્ર શિક્ષા, સુરત પ્રેરિત આ તાલીમ વર્ગ કુલ 3 વર્ગોમાં વહેંચવામાં આવ્યો હતો. જેમાં કુલ 120 જેટલાં શિક્ષક ભાઈ-બહેનોએ સહર્ષ ભાગ લીધો હતો. તાલીમ બાબતે વધુ માહિતી આપતાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે પ્રવૃત્તિલક્ષી જ્ઞાન કેન્દ્રી શિક્ષણ પદ્ધતિ માટેનાં ઉપલબ્ધ નિયત ઉપકરણો, અભ્યાસ સામગ્રી તેની ઉપયોગિતાની નક્કી થયેલ માર્ગદર્શિકા વિગેરેનાં પરિણામદાયી અમલીકરણ માટે તમામ શાળાઓમાં તેમજ વર્ગખંડોમાં સરખી પ્રતિબદ્ધતા તેમજ પ્રકલ્પ માટે સમજૂત થયેલ શિક્ષક ભાઈ-બહેનો ઉપલબ્ધ હોવા અપેક્ષિત છે જે આ તાલીમ વર્ગનો મૂળભૂત હેતુ છે.
આ તાલીમ વર્ગમાં નિયુક્ત તજજ્ઞો દ્વારા જૂથકાર્ય, વાર્તાકથન, અભિનયગીત, રમતગમત, પ્રોજેક્ટ વર્ક જેવી વિવિધ પ્રવૃત્તિઓ તબક્કાવાર સુંદર અને સચોટ રીતે કરાવવામાં આવી હતી. તદ્ઉપરાંત એફએલએન કીટ સમજ, મેથ્સ કીટ સમજ તથા નિપુણ સામગ્રીનાં વર્ગખંડમાં યોગ્ય ઉપયોગ અંગે સવિસ્તર માહિતી પ્રદાન કરવામાં આવી હતી. દરેક પ્રવૃત્તિઓમાં તાલીમાર્થી શિક્ષક ભાઈ-બહેનો ખૂબજ ઉત્સાહપૂર્વક સહભાગી થયા હતાં. તાલીમનાં વિષયવસ્તુને વધુ સરળ બનાવવા બી.આર.પી. પ્રજ્ઞા ઈલા મહિડા તેમજ સી.આર.સી. કો-ઓર્ડિનેટરો આશા ગોપાણી અને રેશ્મા પટેલ સહિત તજજ્ઞ શિક્ષક ભાઈ-બહેનોનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.અરૂણકુમાર અગ્રવાલે તાલીમ સ્થળે ઉપસ્થિત રહીને સૌને પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે તાલીમાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષની પૂર્વ તૈયારીનાં ભાગરૂપ આ પ્રશિક્ષણ કાર્યશાળા માટે શુભેચ્છા પાઠવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
