રાજ્યના ચૂટણી કમિશ્નરશ્રી સંજયપ્રસાદ સિંઘના અધ્યક્ષ સ્થાને તાપી જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ
તાપી જિલ્લા ચૂંટણીતંત્રની સુચારૂ કામગીરી માટે ખુશી વ્યક્ત કરતા – રાજ્ય ચૂંટણી કમિશ્નરશ્રી સંજયપ્રસાદ સિંઘ.
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) તા.૧૯ઃ તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા (જિલ્લા સેવા સદન સભાખંડ) ખાતે તા.૧૮/૧૧/૨૦૨૦ ના રોજ રાજ્યના ચૂંટણી કમિશ્નરશ્રી સંજયપ્રસાદ સિંઘ ના અધ્યક્ષ સ્થાને મતદાર યાદી પ્રસિધ્ધિ અને આગામી ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આર.જે.હાલાણી, નિવાસી અધિક કલેકટરશ્રી બી.બી.વહોનિયા સહિત જિલ્લાના તમામ આર.ઓ.અને એ.આર.ઓ. ની ઉપસ્થિતિમાં ચૂંટણી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
રાજ્યના ચૂંટણી કમિશ્નરશ્રી સંજયપ્રસાદ સિંઘે જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીશ્રીઓને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ તેમજ આગામી ચૂંટણી સંદર્ભે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. આર.ઓ અને એ.આર.ઓ.બંને અધિકારીઓ નવા ન હોય અને ચૂંટણી કામનો બહોળો અનુભવ ધરાવતા હોય તે મુજબની વ્યવસ્થા કરવા પણ જણાવ્યું હતું. મતદાન મથકોની ચકાસણી કરી સ્થાનિક તંત્રને સાથે રાખી મતદાન મથકની સુવિધાઓ માટે પ્રયાસ કરવા ચૂંટણી કમિશ્નરશ્રીએ અનુરોધ કર્યો હતો. સાથે સાથે કોવિડ-૧૯ ની પરિસ્થિતિને ધ્યાને લઇ ચૂંટણી તાલીમ અને સબંધિત તમામ કામગીરી માટે આરોગ્ય વિભાગની ગાઈડલાઈનનું પાલન કરવા જણાવ્યું હતું. વધુમાં તાપી જિલ્લા વહીવટી તંત્રની ખૂબ સારી કામગીરી માટે અધિકારીઓને અભિનંદન આપ્યા હતા. તેમજ ચૂંટણીલક્ષી તમામ કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આર.જે.હાલાણીએ ચૂંટણી કમિશ્નરશ્રી ના સૂચનોને આવકારતા જણાવ્યું હતું કે આગામી ચૂંટણી માટે ખૂબ સારો સમય મળ્યો છે ત્યારે મતદાન મથકોની માળખાગત સુવિધાઓ અંગે યોગ્ય ચકાસણી તથા શાંતિપૂર્ણ ચૂંટણી કાર્ય માટે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન કોઈપણ ક્ષતિ ન રહી જાય તે માટે ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી.
નાયબ ચૂંટણી કમિશ્નરશ્રી ગામીતે એકપણ મતદાર મતદાર યાદીમાં નામ નોંધણી વિના ન રહી જાય તે માટે તકેદારી રાખવા તેમજ ડેટાબેઝ અદ્યતન બનાવવા અને તાલીમ માટે કેન્દ્રની એસ.ઓ.પી.નું પાલન કરવા કહયું હતું.
નિવાસી અધિક કલેકટરશ્રી બી.બી.વહોનિયાએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ તાપી જિલ્લામાં કુલ ૭,૨૭,૫૧૫ મતદારો છે. ઈ વી એમ ની સાચવણી માટે વેરહાઉસની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ બેઠકમાં તમામ તાલુકાઓના મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ વ્યારા પ્રાંત અધિકારીશ્રી હિતેશ જોષી, નિઝર પ્રાંત શ્રી મેહુલ દેસાઈ સહિત ચૂંટણીતંત્રના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦