મશરૂમની ખેતી-જાગરૂકતા અને તાલીમ કાર્યક્રમનું ઓનલાઈન આયોજન કરાયું

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેંદ્ર-વ્યારા દ્વારા ખેડૂતોને ખેતી,પશુપાલન વિષેની માહિતી તાલીમ કાર્યક્રમો તથા વિવિધ વિસ્તરણ પ્રવૃત્તિઓ દ્વારા પુરી પાડવામાં આવે છે તેમજ રોજગાર લક્ષી તાલીમ કાર્યક્રમો પણ ગોઠવવામાં આવે છે. હાલના કોરોનાના કહેરએ આખી દૂનિયાને હચમચાવી નાખી છે. ભારતમાં પણ કોરોનાના કેસનો આંક વધી રહ્યો છે. કોરોના વાયરસના કારણે ખેડૂતો / યુવાનો કેંદ્ર ખાતે માર્ગદર્શન મેળવવાં આવી શકે તેમ ન હોવાથી કૃષિ વિજ્ઞાન કેંદ્ર-વ્યારા, કૃષિ વિજ્ઞાન કેંદ્ર-સુરત અને કૃષિ મહાવિદ્યાલય-વઘઈ ના સંયુક્ત ઉપક્રમે તા. ૧૪/૦૮/૨૦૨૦ ના રોજ “મશરૂમની ખેતી-જાગરૂકતા અને તાલીમ કાર્યક્રમ” નું ઓનલાઈન આયોજન કરેલ હતું. સદર કર્યક્રમની શરૂઆતમાં કૃષિ વિજ્ઞાન કેંદ્ર-વ્યારાના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. સી. ડી. પંડ્યા એ પ્રાસંગીક પ્રવચનમાં મહાનુભાવો, નિષ્ણાંતો તેમજ ખેડૂત મિત્રોનું સ્વાગત કરી કાર્યક્રમનો હેતુ સમજાવી મશરૂમની અગત્યતા વિષે માહિતી આપી હતી. નવસારી કૃષિ યુનિવર્સિટીનાં વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. કે.એ.પટેલ દ્વારા કાર્યક્રમમાં જોડાયેલા બધા ખેડૂત મિત્રોને પ્રોત્સાહિત કરેલ હતાં. તેમજ મશરૂમની ખેતી વિષેની માહિતી નિષ્ણાંતો દ્વારા મેળવી મશરૂમની ખેતીને એક વ્યવસાયના રૂપે અપનાવવાં માટે હાકલ કરી હતી. કૃષિ વિજ્ઞાન કેંદ્ર-સુરતના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. જે. એચ. રાઠોડ દ્વારા પણ મશરૂમની ખેતી વિષે માહિતી મેળવી એક આવકનો સ્ત્રોત તરીકે અપનાવવા માટે ખેડૂતોને પ્રોત્સાહીત કરેલ હતાં. તાંત્રિક પ્રવચનમાં કૃષિ મહાવિદ્યાલય-વઘઈ ના આચાર્યશ્રી ડો. જે. જે. પસ્તાગીયા દ્વારા મશરૂમની ઓળખ, ઉપયોગીતાઓ મશરૂમનો ઈતિહાસ, ભારતમાં ઉગાડવામાં આવતી વિવિધ મશરૂમની જાતો વિષે સૌને માહીતગાર કરેલ હતાં. ઢિંગરી મશરૂમ, દૂધીયા મશરૂમ તેમજ બટન મશરૂમની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ વિશેની વિસ્તૃત માહિતી કે.વિ.કે. વ્યારા ના પાક સંરક્ષણના વૈજ્ઞાનિક ડો. એસ. એમ. ચવ્હાણ દ્વારા આપવામાં આવેલ હતી સાથે-સાથે મશરૂમની કાપણી અને જાળવણી, મશરૂમના આરોગ્યલક્ષી ફાયદાઓ વિષે પણ ખેડૂતોને જાગૃત કરેલ હતાં. તાપી જિલ્લાના મશરૂમની ખેતીમાં સફળ ખેડૂતોની વાર્તાઓ થકી જોડાયેલ ખેડૂતોને પ્રોત્સાહીત કરેલ હતાં. કે.વિ.કે. સુરત ના પાક સંરક્ષણના વૈજ્ઞાનિક ડો. એસ. કે. ચાવડા દ્વારા મશરૂમના રોગ-જીવાતોની ઓળખ અને વ્યવસ્થાપન વિષે ખેડૂતોને તાંત્રિક પ્રવચન આપવામાં આવેલ હતું. કૃષિ મહાવિદ્યાલય-વઘઈ ના મદદનીશ પ્રાધ્યાપક ડો. એ. જે. દેશમુખ દ્વારા મશરૂમનું વૈજ્ઞાનિક ઢબે બીજ ઉત્પાદન વિષે વિસ્તૃત માહિતી આપેલ હતી. તાપી જિલ્લાના મશરૂમની ખેતીમાં સફળ ખેડૂત મહિલા શ્રીમતી અંજનાબેન ગામીતએ એમના અનુભવો પણ રજૂ કરેલ હતાં. કાર્યક્રમના અંતમાં નિષ્ણાંતો દ્વારા ખેડૂતોના મૂંઝવતા પ્રશ્નોના માહિતી સભર જવાબ આપવામાં આવેલ હતાં. ગુગલ મીટ એપ્લીકેશન થકી કુલ ૧૧૦ ખેડૂતો એ ઉત્સાહ ભેર ભાગ લીધેલ હતો. કે.વિ.કે-વ્યારાના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. સી. ડી. પંડ્યા દ્વારા કાર્યક્રમના અંતમાં આભાર વિધિ કરવામાં આવેલ હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *