નિઝરના વેલદા ગામે પોલીસ અને સ્થાનિક પ્રજા વચ્ચેનાં ઘર્ષણમાં ગેરસમજના કારણે એક પત્રકારની પણ ધરપકડ કરી ૨૧ દિવસ સુધી જેલમાં રાખવામાં આવ્યો : જેને ન્યાય અપાવવા માટે આજરોજ તાપી જિલ્લા પત્રકાર એકતા સંગઠનની એક બેઠક મળી હતી અને પત્રકારના હિત માટે યોગ્ય રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો હતો 

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : પત્રકાર એટલે સમાજનો આયનો, પ્રજા અને સરકાર વચ્ચે વિચારોના આદાન-પ્રદાનને સાંકળતી જો કોઈ કડી હોય તો તે પત્રકાર છે. પરંતુ ઘણીવાર ગેરસમજના કારણે પત્રકારો પણ અન્યાયનો ભોગ બનતા હોય છે અને સમાજના હિત માટે લડનાર આ પત્રકારે પણ ઘણીવાર અનેક યાતનાઓ સહન કરવાનો વારો આવે છે. તેવો જ એક કિસ્સો ગત મહિને તાપી જિલ્લાના છેવાડે નિઝરના વેલદામાં બન્યો જ્યાં એક ડોક્ટર અને જાહેર જનતા વચ્ચે થયેલા ઘર્ષણમાં કવરેજ લેવા ગયેલા પત્રકારને પણ આરોપીઓની લિસ્ટમાં ચડાવી દેવામાં આવ્યો અને એને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો અને એક બે દિવસ નહિ પણ ૨૧ દિવસ સુધી જેલમાં રાખવામાં આવ્યો અને એની પાછળનું કારણ એવું આપવામાં આવ્યું કે આ પત્રકાર સીસીટીવી કેમેરાની ફૂટેજમાં દેખાય છે. પરંતુ પત્રકારના જણાવ્યા મુજબ એની હાથમાં કવરેજ લેવા માટે માત્ર મોબાઈલ હતો, ન કે કોઈ પથ્થર કે લાકડી, તો પછી કેવી રીતે એને ગુનેગાર માની લેવામાં આવ્યો તે મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે ?? અને જો આ રીતે ઘટનાનું કવરેજ લેનારા પત્રકારોને આરોપી ગણી લેવામાં આવશે તો પત્રકારોનું મનોબળ તૂટશે અને પત્રકારો કોઇ પણ ઘટનાની સાચી વાસ્તવિકતા પ્રજા સમક્ષ કેવી રીતે મૂકી શકશે ?? તેથી આ ઘટનામાં પોલીસને થયેલી ગેરસમજ દૂર કરી પત્રકારને યોગ્ય ન્યાય અપાવવાનો નિર્ણય આજે તાપી જિલ્લા પત્રકાર એકતા સંગઠનની બેઠકમાં તમામ પત્રકારોએ લીધો છે. જે માટે તંત્ર સમક્ષ યોગ્ય રજૂઆત કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ બેઠકમાં ઉપસ્થિત તમામ પત્રકારોએ એક સૂરમાં સૂર પુરાવી જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં કોઈપણ પત્રકાર સાથે ક્યારે પણ અન્યાય નહીં થવા દેવામાં આવે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other