તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 26. – તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને બુધવારે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSOS – Gujarat State Open School) ના વિદ્યાર્થીઓ માટે ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ (સામાન્ય પ્રવાહ) ની પરીક્ષાના આયોજન અને પૂર્વ તૈયારીઓ અંગે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર મુજબ, તા. ૩૦/૧૧/૨૦૨૬ થી તા. ૦૯/૧૨/૨૦૨૬ દરમિયાન આ પરીક્ષાઓ યોજાનાર છે. ધોરણ-૧૦ SSCની પરીક્ષા માટે કુલ ૦૧ કેન્દ્ર તથા કુલ ૧૩ બ્લોક ખાતે સવારે ૧૦:૦૦ થી ૧૩:૧૫ કલાક દરમિયાન પરીક્ષા લેવાશે.
ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ માટે સવારે ૧૦:૩૦ થી ૧૩:૪૫ અને બપોરે ૧૫:૦૦ થી ૧૮:૧૫ કલાક દરમિયાન વ્યારા ખાતે શ્રીમતી કે. કે. કદમ કન્યા વિદ્યાલય ૦૧ કેન્દ્ર તથા કુલ ૦૨ બ્લોક ખાતે પરીક્ષા લેવાશે.
બેઠકમાં કલેક્ટરશ્રીએ પરીક્ષાઓ ગેરરીતિ મુક્ત અને નિર્ભય વાતાવરણમાં યોજાય તથા તમામ પરીક્ષાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, પરીક્ષા કેન્દ્રો પર કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટ્સ લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ સિસલે, નિવાસી અધિક કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ, સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
○○○
