સોનગઢ ખાતેથી રાજ્યમંત્રી ડૉ.જયરામભાઈ ગામીતે નવીન બે સ્લીપરકોચ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
Contact News Publisher

ઉકાઈથી ભાવનગર અને ભાવનગરથી ઉકાઈ વચ્ચે નવીન સ્લીપરકોચ બસ સેવા શરૂ કરાશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૧: મુસાફરોને વધુ સુવિધાયુક્ત અને આરામદાયક પરિવહન સેવા મળી રહે તે હેતુથી સુરત વિભાગના એસ.ટી. ડેપો સોનગઢ દ્વારા ઉકાઈથી ભાવનગર અને ભાવનગરથી ઉકાઈ વચ્ચે નવીન બે સ્લીપરકોચ બસ સેવા શરૂ કરવામાં આવનાર છે. આ નવીન બસોને સોનગઢ ડેપો ખાતેથી રાજ્યમંત્રી ડૉ.જયરામભાઈ ગામીતે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સુલભ, સુરક્ષિત અને સુવિધાયુક્ત પરિવહન સેવા મળી રહે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એસ.ટી. નિગમ દ્વારા નવીન બસ સેવાઓ શરૂ થવાથી મુસાફરોને આરામદાયક મુસાફરીની સુવિધા મળશે. ઉકાઈથી ભાવનગર અને ભાવનગરથી ઉકાઈ વચ્ચે શરૂ થનારી આ સ્લીપરકોચ બસ સેવા ખાસ કરીને લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરો માટે ઉપયોગી સાબિત થશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, એસ.ટી. બસમાં સ્વચ્છતા જાળવવી એ તંત્રની સાથે મુસાફરોની પણ સહિયારી જવાબદારી છે. બસમાં કચરો ન ફેલાય અને સ્વચ્છ વાતાવરણ જળવાઈ રહે તે માટે મુસાફરોએ પણ જાગૃતિ અને સહકાર દાખવવો જોઈએ. જાહેર પરિવહનનાં સાધનોને સ્વચ્છ રાખીને સ્વચ્છતાની જાળવણીમાં સૌએ સહભાગી બનવું જોઈએ.
નવીન સ્લીપરકોચ બસનો રૂટ અને ઉપડવાનો સમય મુજબ ઉકાઈથી ભાવનગર બસ સાંજે ૬:૧૫ કલાકે ઉપડશે, જ્યારે ભાવનગરથી ઉકાઈ બસ સાંજે ૮:૩૦ કલાકે ઉપડશે. આ નવીન બસ સેવા શરૂ થવાથી આ રૂટ પર મુસાફરી કરતા નાગરિકોને વધુ આરામદાયક અને સુવિધાજનક પરિવહનનો લાભ મળશે.
આ પ્રસંગે જિલ્લા અગ્રણીશ્રી સૂરજભાઈ વસાવા, વિભાગીય પરિવહન અધિકારીશ્રી ઓ. જી. સુરતી, એસ. ટી. ડેપો મેનેજરશ્રી બલરામ પટેલ, સંગઠનના હોદ્દેદારો, પંચાયતના સભ્યો-પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
○○○
