સોનગઢના શ્રાવણીયા ખાતે ‘ગ્રામીણ ઓલિમ્પિક ખેલ મહોત્સવ-૨૦૨૬’ નો ભવ્ય પ્રારંભ કરાવતા રાજ્યકક્ષાના મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીત

0
સોનગઢના શ્રાવણીયા ખાતે ‘ગ્રામીણ ઓલિમ્પિક ખેલ મહોત્સવ-૨૦૨૬’ નો ભવ્ય પ્રારંભ કરાવતા રાજ્યકક્ષાના મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીત
Contact News Publisher

પરંપરાગત અને આધુનિક રમતો થકી ગ્રામીણ યુવાનોની પ્રતિભાને રાષ્ટ્રીય મંચ મળશે : મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીત

—

રૂ. ૬૦ લાખના ખર્ચે નવનિર્મિત ‘શ્રાવણીયા લાઈબ્રેરી’નું લોકાર્પણ કરી વિદ્યાર્થીઓ માટેની સુવિધાઓનું નિરીક્ષણ કરતા મંત્રીશ્રી જયરામભાઈ ગામીત

—

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૧. :– ગ્રામીણ વિસ્તારના યુવાનોમાં છુપાયેલી રમતગમતની પ્રતિભાને બહાર લાવવા અને તેમને પ્રોત્સાહન પૂરું પાડવાના ઉમદા હેતુથી સોનગઢ તાલુકાના શ્રાવણીયાના જે.પી. ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ‘યુવા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ શ્રાવણીયા’ દ્વારા આયોજિત અને ‘પ્રકૃતિ સંવર્ધન સમિતિ, તાપી’ના સહયોગથી ‘ગ્રામીણ ઓલિમ્પિક ખેલ મહોત્સવ-૨૦૨૬’નો રાજ્યકક્ષાના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીતે પ્રારંભ કરાવ્યો હતો.

 

આ પ્રસંગે ઉપસ્થિત ખેલાડીઓ અને ગ્રામજનોને સંબોધતા મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીતે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકાર ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના મંત્ર સાથે આદિવાસી સમાજના સર્વાંગી ઉત્થાન, જંગલ જમીનના હક્કો, સિંચાઈ, રસ્તા અને પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે સતત કટિબદ્ધ છે. આગામી વર્ષે આ રમતોત્સવમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ખેલાડીઓ પણ મોટી સંખ્યામાં ભાગ લેવા આવવાના હોવાથી આયોજનને વધુ ભવ્ય અને સુવ્યવસ્થિત બનાવવા તેમણે ગ્રામજનો અને સ્વયંસેવકોને સહકાર આપવા અનુરોધ કર્યો હતો.

 

આજે ગુજરાતના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારના યુવાનો રમતગમત ક્ષેત્રે દેશ અને દુનિયામાં રાજ્યનું નામ રોશન કરી રહ્યા છે. શ્રાવણીયા ખાતે ક્રિકેટ, કબડ્ડી, ખો-ખો, વોલીબોલ અને તીરંદાજી જેવી આધુનિક રમતોની સાથે સાથે દેશી ગીલોલ, ઠીકરીબોલ, લખોટી, રસા ખેંચ અને ગિલ્લી દંડો જેવી આપણી ભવ્ય પરંપરાગત ગ્રામીણ રમતોનો સંગમ ખરેખર પ્રશંસનીય છે.

 

તેમણે વધુમાં ઉમેર્યું કે, રમતગમત માત્ર શારીરિક તંદુરસ્તી જ નહીં પરંતુ યુવાનોમાં શિસ્ત, ટીમવર્ક અને નેતૃત્વના ગુણોનું પણ સિંચન કરે છે, જે ભવિષ્યમાં તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આગળ વધવા માટે મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડશે.

 

આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રાજ્યસભાના સાંસદશ્રી મુકેશભાઈ રાઠવાએ જણાવ્યું કે, આદિવાસી વિસ્તારના યુવાનોમાં રહેલી રમતગમતની પ્રતિભાને બહાર લાવવા માટે ‘ગ્રામીણ ઓલિમ્પિક ખેલ મહોત્સવ’ એક ઉત્તમ માધ્યમ બની રહ્યું છે. તેમણે રમતગમતની સાથે પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક ઉત્થાનની પ્રવૃત્તિઓને પણ અત્યંત પ્રશંસનીય ગણાવી યુવાનોને વ્યસનમુક્ત રહી શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે આગળ વધી દેશનું નામ રોશન કરવા પ્રેરણા આપી હતી.

 

રાજ્યકક્ષાના મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીતે મેદાનની પ્રત્યક્ષ મુલાકાત લઈ વિવિધ રમતોનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન મંત્રીશ્રીએ સ્વયં ક્રિકેટ અને તીરંદાજી (આર્ચરી) જેવી રમતોમાં ઉત્સાહભેર સહભાગી થઈને રમતવીરોનો ઉત્સાહ વધાર્યો હતો.

 

મંત્રીશ્રીને પોતાની વચ્ચે રમતા જોઈ ખેલાડીઓ અને ઉપસ્થિત ગ્રામજનોમાં ભારે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

 

આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી, જિલ્લા અગ્રણીશ્રી સુરજભાઈ વસાવા સહિત સંગઠનના હોદ્દેદારો, પંચાયતના સભ્યો, પદ્મશ્રી રમીલાબેન ગામીત સહિત આમંત્રિત મહેમાનો, ખેલાડીઓ, મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

આ મુલાકાત દરમિયાન રાજ્યકક્ષાના મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીતના વરદ હસ્તે શ્રાવણીયા ગામ ખાતે અંદાજે રૂ. ૬૦ લાખના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક ‘શ્રાવણીયા લાઈબ્રેરી’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ લાઈબ્રેરીની વિવિધ સુવિધાઓ, વાંચન ખંડ અને પુસ્તક સંગ્રહનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.

○○○

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other