તાપી જિલ્લામાં હાઇવે હોટલો પર ફૂડ સેફ્ટી વિભાગની મોટી કાર્યવાહી
Contact News Publisher

બાજીપુરાથી ઉચ્છલ સુધીની 22 હોટલોનું ઇન્સ્પેક્શન; નિયમોનું પાલન ન કરતી 13 હોટલોને નોટિસ ફટકારાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૧. ગુજરાત રાજ્યમાં હાઇવે પર આવેલી હોટલો અને રેસ્ટોરન્ટમાં ખાદ્ય સુરક્ષા તથા સ્વચ્છતાના નિયમોનું યોગ્ય પાલન થાય તે હેતુથી રાજ્યવ્યાપી હાઇવે હોટલ ઇન્સ્પેક્શન ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે તાપી જિલ્લામાં બાજીપુરાથી ઉચ્છલ સુધીના હાઇવે પર આવેલી હોટલોનું ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓની ટીમ દ્વારા સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ કામગીરી દરમિયાન કુલ 22 હોટલોનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટના નિયમોનું યોગ્ય પાલન ન કરતી 13 હોટલોને નોટિસ આપવામાં આવી છે. સંબંધિત હોટલ સંચાલકોને નિર્ધારિત સમયમર્યાદામાં જરૂરી સુધારા કરી નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે. જો સમયમર્યાદામાં સુધારા કરવામાં નહીં આવે તો સંબંધિત હોટલો સામે લાયસન્સ રદ કરવા સુધીની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.
વાસી અને બગડેલી ખાદ્યસામગ્રીનો નાશ કરાયો
હોટલોના ઇન્સ્પેક્શન દરમિયાન ગ્રાહકોને પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા તેમજ ખાદ્ય ચીજવસ્તુઓના સંગ્રહની સ્વચ્છતા અને સલામતી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન અયોગ્ય અને બગડેલી ખાદ્યસામગ્રી મળી આવતાં તેનો નાશ કરવામાં આવ્યો હતો.
જેમાં આશરે બે લિટર વાસી લીલી ચટણી, પાંચ કિલો શાકભાજી, એક કિલો બાફેલા બટાકા તથા બે કિલો સડેલી ડુંગળીનો નાશ કરવામાં આવ્યો હતો.
તમામ હોટલો પાસે ફૂડ લાઇસન્સ ઉપલબ્ધ
આ તપાસ દરમિયાન નિરીક્ષણ કરવામાં આવેલી તમામ 22 હોટલો ફૂડ લાઇસન્સ ધરાવતી હોવાનું સામે આવ્યું હતું. જોકે, ફૂડ લાઇસન્સ હોવા છતાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાને લગતા નિયમોનું પાલન કરવું દરેક હોટલ સંચાલક માટે ફરજિયાત છે.
ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા હોટલ સંચાલકોને ભોજન બનાવવાની પ્રક્રિયા, ખાદ્યસામગ્રીનો સંગ્રહ, રસોડાની સ્વચ્છતા અને ગ્રાહકોને પીરસવામાં આવતી ખાદ્ય વસ્તુઓની ગુણવત્તા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
તાપી જિલ્લામાં હાથ ધરવામાં આવેલી આ હાઇવે હોટલ ઇન્સ્પેક્શન ડ્રાઇવનો મુખ્ય હેતુ હાઇવે પરથી પસાર થતા મુસાફરો અને સ્થાનિક નાગરિકોને સ્વચ્છ, સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ભોજન મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.
ફૂડ સેફ્ટી વિભાગની આ કામગીરીથી હોટલ સંચાલકોમાં નિયમોના પાલન અંગે જાગૃતિ આવશે અને ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે અસરકારક નિયંત્રણ સ્થાપિત થશે.
○○○
