સી.ઓ.ઈ. કેન્દ્ર ઉકાઈ ખાતે વિશ્વ એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ જાગૃતિ સપ્તાહની ઉજવણી

0
ઉકાઈ ખાતેવિશ્વ એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ જાગૃતિ સપ્તાહ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૦. વિશ્વ એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ જાગૃતિ સપ્તાહ (World Antimicrobial Resistance Awareness Week – WAAW) ની ઉજવણીના ભાગરૂપે તા. ૨૦ નવેમ્બર, ૨૦૨૬ના રોજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.), ઉકાઈ ખાતે સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ દ્વારા “એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ (Antimicrobial Resistance – AMR)” વિષય પર એક દિવસીય જાગૃતિ અને ચર્ચા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ તાલીમાર્થીઓમાં એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ અંગે જાગૃતિ કેળવવાનો તેમજ એન્ટીબાયોટિક દવાઓના યોગ્ય ઉપયોગ, તેના દુરુપયોગથી ઊભા થતા જોખમો અને “વન હેલ્થ” (One Health) અભિગમના મહત્વ અંગે માહિતગાર કરવાનો હતો.

આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ડૉ. ફોરમ વાળા, ડૉ. ક્રિના પટેલ, સિનિયર રિસર્ચ ફેલો તથા કુલદીપ પીઠિયા, સિનિયર રિસર્ચ અસિસ્ટેંટ, સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ દ્વારા તાલીમાર્થીઓને એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સના કારણો, તેની વધતી જતી વૈશ્વિક સમસ્યા, માનવ, પ્રાણી અને પર્યાવરણના સ્વાસ્થ્ય પર થતી અસરો તેમજ તેના નિવારણ અને નિયંત્રણ માટે અપનાવી શકાય તેવા વિવિધ ઉપાયો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન આઈ.ટી.આઈ., ઉકાઈના તાલીમાર્થીઓ અને સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ચર્ચા સત્રમાં તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સંવાદાત્મક ચર્ચા અને પ્રશ્નોત્તરી દ્વારા AMR અંગેની સમજ વધુ મજબૂત બનાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમના અંતે તાલીમાર્થીઓમાં એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ જેવી ગંભીર આરોગ્ય સમસ્યા પ્રત્યે જાગૃતિ અને જવાબદારીની ભાવના વિકસાવવાનો સકારાત્મક પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા એન્ટીબાયોટિક દવાઓના જવાબદારીપૂર્વક ઉપયોગ અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે જાગૃતિ ફેલાવવાનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો.

○○○

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *