જનજાતિય ગૌરવ સપ્તાહ અંતર્ગત ઉચ્છલના બાબરઘાટ ખાતે પરંપરાગત રમતોત્સવની ઉજવણી કરાઈ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૭. :- ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે ઉજવાઈ રહેલા ‘જનજાતિય ગૌરવ સપ્તાહ-૨૦૨૬’ અંતર્ગત તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ખાતે પરંપરાગત રમતોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી.
આ પ્રસંગે કાર્યક્રમમાં ઉપસ્થિત ઉચ્છલ તાલુકા પંચાયત પ્રમુખશ્રી, ઇન્ચાર્જ પ્રાયોજના વહીવટદારશ્રી ધારા ભાલારા અને જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ચેતન પટેલ સહિતના અધિકારીઓ-મહાનુભાવોએ પરંપરાગત રમતોની સાથે પ્રત્યેક રમતોમાં ઉત્સાહભેર ભાગ લઈને તાપી જિલ્લા સહિત રાજ્ય અને રાષ્ટ્રનું નામ રોશન કરવા માટે પ્રેરણા પુરી પાડી હતી.
આ રમતોત્સવમાં લીંબુ-ચમચી, કોથળા દોડ, રસ્સાખેંચ, સાતોડિયું, ગીલ્લીદંડા, લગડી, કબડ્ડી અને ભમરડા સહિતની વિવિધ પરંપરાગત રમતોનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં રમતવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ આયોજન થકી નવી પેઢીને આપણી ભવ્ય પરંપરાગત રમતોનો પરિચય મળે અને લોકસંસ્કૃતિ જળવાઈ રહે તેવો હેતુ સાર્થક થયો હતો.
○○○
