જનજાતિય ગૌરવ સપ્તાહ અંતર્ગત વ્યારા રમત સંકુલ ખાતે પરંપરાગત રમતોત્સવની પૂર્ણાહૂતિ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૭.:- ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે ઉજવાઈ રહેલા ‘જનજાતિય ગૌરવ સપ્તાહ-૨૦૨૬’ અંતર્ગત તાપી જિલ્લાના વ્યારા રમત સંકુલ ખાતે યોજાયેલા પરંપરાગત રમતોત્સવની મંગળવારે ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી અને નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર. બોરડની ઉપસ્થિતમાં પૂર્ણાહૂતિ થઈ હતી.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીએ શિક્ષણ, આરોગ્ય, પોષણ, રોજગાર, ખેતી અને પશુપાલન ક્ષેત્રે સરકાર દ્વારા થઈ રહેલા પ્રયાસોની સાથે રમતગમત ક્ષેત્રે અને ખાસ કરીને પરંપરાગત રમતોને જીવંત રાખવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે ઉપસ્થિત રમતવીરોને પરંપરાગત રમતો સહિત વિવિધ રમતોમાં રસ દાખવી રમતગમત ક્ષેત્રે આગળ વધવા પ્રેરિત કર્યા હતા.
રમતોત્સવમાં લીંબુ-ચમચી, કોથળા દોડ, રસ્સાખેંચ, સાતોડિયું, ગીલ્લીદંડા, લગડી અને ભમરડા સહિતની વિવિધ પરંપરાગત રમતોનું આયોજન કરાયું હતું. જેમાં નાની-મોટી વયના રમતવીરોએ ઉત્સાહભેર ભાગ લઈ રમતોત્સવને જીવંત બનાવ્યો હતો. આ રમતોત્સવ થકી નવી પેઢીને આપણી પરંપરાગત રમતોનો પરિચય મળે અને આ રમતોની પરંપરા જળવાઈ રહે તેવો હેતુ પણ સાર્થક થયો હતો.
○○○
