તાપી જિલ્લામાં ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતની દબદબાભેર ઉજવણીનું આયોજન
Contact News Publisher

૧૩મીએ ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે વ્યારા અને સોનગઢ ખાતે ‘યુવા સંવાદ-સંમેલન’ યોજાશે
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૨. :- રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ‘જનજાતિય ગૌરવ દિવસ-૨૦૨૬’ અને ‘જનજાતિય ગૌરવ સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે તાપી જિલ્લામાં તા. ૧૩ નવેમ્બર, ૨૦૨૬ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે બે સ્થળોએ વિધાનસભા મતવિસ્તાર મુજબ ‘યુવા સંવાદ-સંમેલન’ યોજાશે.
૧૭૧-વ્યારા વિધાનસભા મતવિસ્તારનું યુવા સંમેલન વ્યારાના શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ ખાતે ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાની અધ્યક્ષતામાં યોજાશે. જ્યારે ૧૭૨-નિઝર વિધાનસભા મતવિસ્તારનું સંમેલન સોનગઢ નગરપાલિકા સંચાલિત રંગ ઉપવન કોમ્યુનિટી હોલ ખાતે યોજાશે.
આ સંમેલનમાં ભગવાન બિરસા મુંડાના જીવન અને સંઘર્ષ તેમજ ભારત અને ગુજરાતના જનજાતિ સમુદાય માટે ૧૫ નવેમ્બર ‘જનજાતિય ગૌરવ દિવસ’ના ઐતિહાસિક મહત્વ અંગે વક્તવ્યો રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત, વિવિધ વિષય નિષ્ણાતો અને વક્તાઓ દ્વારા યુવાનો સાથે સંવાદ કરવામાં આવશે.
કાર્યક્રમમાં આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ વિકાસલક્ષી કામગીરી તેમજ સમાજના સર્વાંગી વિકાસ માટે અમલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
○○○
