દિવાળીના તહેવાર દરમિયાન સંભવિત ઈમરજન્સી ઘટનાઓની આગાહી અને ૧૦૮ સેવાની સજ્જતા
Contact News Publisher

૧૦૮ ઇમરજન્સી મેડિકલ સર્વિસિસ દ્વારા નાગરિકોને દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ!
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૪. ગુજરાત રાજ્યમાં પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી ઉત્સાહ અને ઉમંગ સાથે થવા જય રહી છે ત્યારે ૧૦૮ ઇમરજન્સી મેડિકલ સર્વિસિસ (EMS) દ્વારા આગામી તહેવારો દરમિયાન ઇમરજન્સી કેસોમાં નોંધપાત્ર વધારો થવાની આગાહી કરવામાં આવી છે. આ આગાહી ભૂતકાળના આંકડાઓના વિશ્લેષણ અને અગાઉના વર્ષોમાં નોંધાયેલા ઇમરજન્સી કેસોના વલણોના અભ્યાસના આધારે તૈયાર કરવામાં આવી છે, જેથી તહેવારના સમયગાળા દરમિયાન સુવ્યવસ્થિત પૂર્વતૈયારી અને ઝડપી પ્રતિસાદ સુનિશ્ચિત કરી શકાય.
દિવાળી જેવા તહેવારો આનંદ, એકતા, સામૂહિક ઉત્સાહ અને નવી શરૂઆતનું પ્રતીક છે. આ તહેવારો પરિવારોને એકસાથે લાવે છે, સામાજિક સંબંધોને વધુ મજબૂત બનાવે છે અને ઉજ્જવળ ભવિષ્યની આશા જગાવે છે. તહેવારોના આ મહત્વને ધ્યાનમાં રાખીને, 108-EMS નાગરિકો સુરક્ષિત રીતે અને કોઈપણ વિક્ષેપ વિના તહેવારોની ઉજવણી કરી શકે તે માટે પ્રતિબદ્ધ છે.
છેલ્લા એક વર્ષ દરમિયાન નોંધાયેલા ઇમરજન્સી કેસોના ટકાવારી આધારિત ઈમરજન્સી કેસોમાં વધારો અને વર્તમાન વલણોના આધારે, સામાન્ય દિવસોની ગુજરાતની સરેરાશ ૫,૨૪૮ ઇમરજન્સી સામે દિવાળી (૦૮ નવેમ્બર ૨૦૨૬ )ના રોજ ૧૬.૪૪% વધારા સાથે અંદાજે ૬,૧૧૧ ઇમરજન્સી, નૂતન વર્ષ (૧૦ નવેમ્બર ૨૦૨૬)ના રોજ ૨૯.૧૨% વધારા સાથે ૬,૭૭૬ ઇમરજન્સી કેસ તથા ભાઈબીજ (૧૧ નવેમ્બર ૨૦૨૬)ના રોજ ૨૨.૯૬% વધારા સાથે ૬,૪૫૩ ઇમરજન્સી ઘટનાઓના કેસ નોંધાવાની આગાહી કરવામાં આવી છે.
ઇમરજન્સી કેસોના સંભવિત મુખ્ય વાહનજન્ય (રોડ અકસ્માત), ટ્રોમા – બિનવાહનજન્ય, શારીરિક હુમલા અને દાઝવાના કેસ નોંધાવાની શક્યતા છે.
સંભવિત ઇમરજન્સી કેસોમાં થનારા વધારાને પહોંચી વળવા માટે ૧૦૮-EMSની ટીમ સંપૂર્ણપણે સજ્જ અને તૈયાર છે. વધુ સારા સંકલન અને એમ્બ્યુલન્સના ઝડપી ટર્નઅરાઉન્ડ માટે મુખ્ય હોસ્પિટલોમાં ફિલ્ડ સ્ટાફ અને સુપરવાઇઝરી સ્ટાફની તૈનાતી કરવામાં આવી છે. જિલ્લાઓમાં સ્ટેન્ડબાય સપોર્ટ ટીમો ઉપલબ્ધ રાખવામાં આવી છે. તહેવારો દરમિયાન સતત અને અવિરત સેવા જળવાઈ રહે તે માટે દવાઓ અને મેડિકલ કન્ઝ્યુમેબલ્સનો પૂરતો તેમજ વધારાનો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે.
તાજેતરમાં શરૂ કરવામાં આવેલી ડાયલ–૧૧૨ જનરક્ષક સેવા, જેનું લોકાર્પણ માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું, હવે તમામ ઇમરજન્સી સેવાઓ માટેના એક જ નંબર આધારિત ઇમરજન્સી ટોલ ફ્રી હેલ્પલાઇન તરીકે કાર્યરત છે. નાગરિકો ઇમરજન્સી સહાય માટે હાલમાં ૧૦૮ અથવા ૧૧૨ બંનેમાંથી કોઈપણ નંબર પર કોલ કરી શકે છે. બંને સેવાઓ સમાન અને અધ્યતન ટેક્નોલોજીના અમધ્યમથી કાર્યરત હોવાથી સમગ્ર ગુજરાતમાં અસરકારક સંકલન અને ઝડપી સેવા ઉપલબ્ધ કરાવી રહેલ છે.
“૧૦૮ પરિવાર વતી તમામ નાગરિકોને દિવાળીની હાર્દિક શુભકામનાઓ અને સૌની દિવાળી સુરક્ષિત તથા આનંદમય રહે તેવી શુભેચ્છા…………
તહેવારો આનંદ અને એકતાનો સંદેશ આપે છે, પરંતુ તેની સાથે સાવચેતી અને જવાબદારી પણ એટલી જ જરૂરી છે. વાહન ચલાવતી વખતે, ફટાકડા ફોડતી વખતે તેમજ તહેવારો દરમિયાન ખાદ્યપદાર્થોનું સેવન કરતી વખતે નાગરિકોએ પૂરતી તકેદારી રાખવી જોઈએ. નાની–નાની સાવચેતી અનિચ્છનીય ઇમરજન્સી ટાળી શકે છે અને તહેવારોની ઉજવણીને વધુ સુરક્ષિત તથા આનંદમય બનાવી શકે છે. કોઈપણ ઇમરજન્સીની સ્થિતિમાં વિલંબ કર્યા વિના તાત્કાલિક તબીબી સહાય માટે ૧૦૮ પર કોલ કરવા અપીલ છે.”
તાપી જિલ્લામાં નોર્મલ દિવસોમાં આશરે 121 જેટલી ઇમરજન્સી નોંધાતી હોય છે અને આ વખતે એટલે કે દિવાળીના દિવસે 8 નવેમ્બર 2026 ના રોજ આશરે 123 ઈમરજન્સી (1.65) ટકાનો વધારો નોંધાઈ એવું દેખાઈ રહ્યું છે. નવું વર્ષ એટલે કે 10 નવેમ્બર 2026 ના રોજ 152 ઇમરજન્સી (25.62%) નો વધારો નોંધાયો દેખાઈ રહ્યું છે ભાઈબીજના દિવસે એટલે કે 11 નવેમ્બર 2026 ના રોજ 129 ઇમરજન્સી (6.61%) ટકા નો વધારો નોંધાય એવું દેખાઈ રહ્યું છે.
આમ આ ઈમરજન્સીમાં થતા વધારાને પહોંચી વળવા માટે તાપી જિલ્લાની કુલ 38 જેટલી 108 એમ્બ્યુલન્સ અને 152 જેટલો કર્મચારીઓ નો સ્ટાફ ખડે પગે હાજર રહેશે.
○○○
