મોબાઇલના ઉપયોગ અંગેના પારિવારિક મતભેદને પગલે ઘરેથી નીકળેલી બાળકીને સુરત રેલવે સ્ટેશન પરથી 1098 અને RPFની ટીમે સુરક્ષિત રીતે પરિવાર સુધી પહોંચાડી

0
મોબાઇલના ઉપયોગ અંગેના પારિવારિક મતભેદને પગલે ઘરેથી નીકળેલી બાળકીને સુરત રેલવે સ્ટેશન પરથી 1098 અને RPFની ટીમે સુરક્ષિત રીતે પરિવાર સુધી પહોંચાડી
Contact News Publisher

ચાઇલ્ડ હેલ્પલાઇન 1098ની ટીમે બાળકીનું કાઉન્સેલિંગ કરી અભ્યાસ, મોબાઇલના મર્યાદિત ઉપયોગ અને પરિવાર સાથે સંવાદ જાળવવા અંગે માર્ગદર્શન આપ્યું

 

(રહિમ પઠાણ દ્વારા. સુરત) : તા. ૧૩. સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પર ચાઇલ્ડ હેલ્પલાઇન 1098ની ટીમ દ્વારા નિયમિત મુલાકાત દરમિયાન એક બાળકી મળી આવી હતી. બાળકીની સુરક્ષા અને સંભાળને પ્રાથમિકતા આપીને ટીમ દ્વારા તેને કચેરી ખાતે લાવવામાં આવી હતી, જ્યાં તેની સાથે સંવેદનશીલતાપૂર્વક વાતચીત કરી સમગ્ર પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

 

કાઉન્સેલિંગ દરમિયાન બાળકી પાસેથી જાણવા મળ્યું હતું કે મોબાઇલના ઉપયોગ અને અભ્યાસને લગતી બાબતે તેના ભાઈ સાથે મતભેદ થતાં તે ઘરેથી નીકળી ગઈ હતી. ત્યારબાદ ચાઇલ્ડ હેલ્પલાઇન 1098ની ટીમ દ્વારા પરિવારનો સંપર્ક કરી પરિસ્થિતિ અંગે જરૂરી માહિતી મેળવવામાં આવી હતી.

 

બાળકીના શ્રેષ્ઠ હિત અને ભાવનાત્મક સુખાકારીને ધ્યાનમાં રાખીને ટીમ દ્વારા તેને સમજાવવામાં આવ્યું હતું કે મોબાઇલનો વધુ પડતો ઉપયોગ અભ્યાસ અને દૈનિક જીવન પર અસર કરી શકે છે. તેને મોબાઇલનો મર્યાદિત ઉપયોગ કરવા, નિયમિત અભ્યાસ કરવા અને પરિવારના સભ્યો સાથે મતભેદ થાય ત્યારે ઘરેથી નીકળી જવાને બદલે શાંતિથી વાતચીત કરીને સમસ્યાનો ઉકેલ લાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, શિક્ષણનું મહત્ત્વ અને શિક્ષણ મેળવવાના અધિકાર અંગે પણ સમજણ આપવામાં આવી હતી.

 

સાથે જ, પરિવારના સભ્યોને પણ બાળકની લાગણીઓ અને જરૂરિયાતોને સમજવા, તેની સાથે પ્રેમપૂર્વક વાતચીત કરવા, મોબાઇલના ઉપયોગ અંગે યોગ્ય મર્યાદા નક્કી કરવા તથા અભ્યાસ માટે પ્રોત્સાહક વાતાવરણ પૂરું પાડવા અંગે કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.

 

કિશોર ન્યાય (બાળકોની સંભાળ અને સંરક્ષણ) અધિનિયમ, 2015 મુજબ બાળકોની સંભાળ, સુરક્ષા અને શ્રેષ્ઠ હિતને પ્રાથમિકતા આપવાના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને 1098ની ટીમ દ્વારા જરૂરી સહાય, કાઉન્સેલિંગ અને પરિવાર સાથે પુનઃમિલન માટે સંકલન કરવામાં આવ્યું હતું.

 

અંતે, ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની ટીમ દ્વારા સંકલન કરીને બાળકીને સુરક્ષિત રીતે તેના પરિવારને સોંપવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી બદલ બાળકીના પરિવારે ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 અને RPFની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

બાળકોની સુરક્ષા અને સંરક્ષણ માટે ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 કાર્યરત છે. મુશ્કેલીમાં મુકાયેલા અથવા સંભાળ અને સંરક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકની મદદ માટે 1098 પર સંપર્ક કરી શકાય છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *