ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયા અને કલેક્ટરશ્રી દેવ ચૌધરીના હસ્તે વાલોડ APMC ખાતે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનો શુભારંભ

પ્રાકૃતિક ખેતી સમયની માંગ, ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી અપનાવે : ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા
—
પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા, ઉત્પાદન, માંગ, વેચાણ અને આવક વધે છે – કલેક્ટર દેવ ચૌધરી
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 03 ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાના અધ્યક્ષસ્થાને અને તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીની ઉપસ્થિતિમાં શનિવારે તાપી જિલ્લાના સહકારી ક્ષેત્રે અગ્રેસર એવા વાલોડ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માર્કેટ યાર્ડ ખાતે શનિવારના રોજ “પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશ વેચાણ કેન્દ્ર” નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાએ જણાવ્યુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રાકૃતિક ખેતી પર વિશેષ ભાર આપે છે, ત્યારે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની સાથે તાપી જિલ્લામાં પણ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. આજે ગંભીર બિમારીઓ વધી રહી છે તેનુ કારણ રસાયણયુક્ત ખોરાક છે. પ્રાકૃતિક ખેતી એ સમયની માંગ છે.
આ તકે જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે, પ્રકૃતિના ખોળે વસેલા તાપી જિલ્લામાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. જિલ્લાના ખેડૂતો પોતાના ઘર-કુટુંબ પૂરતી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી તેનો વ્યાપ વધારી શકે છે. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત ખેત પેદાશોની ગુણવત્તા અને માંગમાં વધારો થાય છે, જેના પરિણામે ખેડૂતોને વધુ વેચાણ અને આવકની તકો મળી શકે છે. પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા, ઉત્પાદન, માંગ, વેચાણ અને આવક વધે છે.
નોંધનીય છે કે, એપીએમસી પરિસર ખાતે ઉપસ્થિત સૌ મહાનુભાવો, ખેડૂતો, લાભાર્થીઓ, નાગરિકોએ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી રાજ્યકક્ષાના મુખ્ય કાર્યક્રમને વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળીને માર્ગદર્શિત થયા હતા.
ગાંધીનગર ખાતેથી રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્યકક્ષાના મુખ્ય ઈ-લોકાર્પણ કાર્યક્રમના વર્ચ્યુઅલ પ્રસારણ સાથે જિલ્લાકક્ષાનો આ કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં ઉપસ્થિત મહાનુભાવો, ખેડૂતો, લાભાર્થીઓ અને નાગરિકોએ વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યકક્ષાના કાર્યક્રમમાં જોડાઈ માર્ગદર્શન મેળવ્યું હતું.
રાજ્યકક્ષાના કાર્યક્રમ બાદ ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયા અને જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરી દ્વારા વાલોડ APMC ખાતે રીબીન કાપીને ‘પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશ વેચાણ કેન્દ્ર’ને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ વેચાણ કેન્દ્રના માધ્યમથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પોતાની ખેત પેદાશોના વેચાણ માટે વધુ સુવિધા અને બજાર ઉપલબ્ધ થશે.
નોંધનીય છે કે, ઉચ્છલ મામલતદાર કચેરી તેમજ વ્યારા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પણ પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશોના વેચાણ કેન્દ્ર સંદર્ભે કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી, ઉપપ્રમુખ, એપીએમસીના ચેરમેનશ્રી, હોદ્દેદારો, આમંત્રિત મહાનુભાવો, જિલ્લા ખેતીવાડી અધિકારી, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર, વિસ્તરણ અધિકારી, આત્મા પ્રોજેક્ટ – ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
