યુવા પેઢી સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણના અભિયાનમાં સહભાગી બની અન્ય લોકોને પણ જાગૃત કરે : મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીત

રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં સોનગઢ અને ઉચ્છલમાં ૭૭મા વન મહોત્સવની ઉજવણી કરાઈ
—
‘એક પેડ માં કે નામ ૩.૦’ અંતર્ગત સોનગઢ-ઉચ્છલમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ અપાયો
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 01. : ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત તાપી જિલ્લાના સોનગઢ અને ઉચ્છલ તાલુકામાં તાલુકાકક્ષાના ૭૭મા વન મહોત્સવ-૨૦૨૬ માં રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા પ્રવાસન રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે ‘એક પેડ માં કે નામ ૩.૦’ અભિયાન હેઠળ બંને સ્થળોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે જણાવ્યું કે, દેશના વિકાસમાં યુવા પેઢી મહત્વની ભૂમિકા ભજવશે. યુવાનો સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ જેવી પ્રવૃત્તિઓમાં સહભાગી બની પોતે જાગૃત થાય અને અન્ય લોકોને પણ જાગૃત કરે તે જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા માટે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા સાથે અન્ય લોકોને પણ તેનો લાભ લેવા માટે જાગૃત કરવા જોઈએ.
સોનગઢ ખાતે સામાજિક વનીકરણ રેન્જ, સોનગઢ તથા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા વન મહોત્સવમાં મંત્રીશ્રીએ કોલેજ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. ઉચ્છલ તાલુકાનો તાલુકાકક્ષાનો વન મહોત્સવ દેવમોગરા કોલેજ ખાતે યોજાયો હતો. અહીં પણ મંત્રીશ્રીએ વૃક્ષારોપણ કરી વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોને પર્યાવરણના જતન અને સંરક્ષણ માટે સંકલ્પબદ્ધ થવા પ્રેરિત કર્યા હતા.
બંને તાલુકાકક્ષાના વન મહોત્સવ કાર્યક્રમોમાં મંત્રીશ્રી સાથે સોનગઢ નગરપાલિકા પ્રમુખશ્રી સારિકાબેન પાટીલ, જિલ્લા અગ્રણીશ્રી સુરજભાઈ વસાવા, ચીફ ઓફિસરશ્રી સહદેવસિંહ વનાર, મામલતદારશ્રી આનંદકુમાર સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, જનપ્રતિનિધિઓ, હોદ્દેદારો, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
_______________
