કીમ પ્રાથમિક શાળા : ઇકો-ફ્રેન્ડલી ગણેશજીનું સ્થાપન અને પ્રેરણાદાયક વિસર્જન

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૨૮. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત કીમ પ્રાથમિક શાળા ખાતે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ગણેશ ઉત્સવની ઉજવણી ખૂબ જ શ્રદ્ધા, ઉત્સાહ અને પર્યાવરણ પ્રત્યેની જાગરૂકતા સાથે કરવામાં આવી હતી. આ વર્ષે શાળાનાં બાળકો અને શિક્ષકો દ્વારા ઇકો-ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ ઉજવવાનો એક સુંદર અને પ્રેરણાદાયી સંકલ્પ લેવામાં આવ્યો હતો.
ગણેશ ચતુર્થીનાં શુભ દિવસે શાળાનાં પ્રાંગણમાં શુદ્ધ માટીમાંથી બનેલાં ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું વિધિવત રીતે સ્થાપન કરવામાં આવ્યું હતું. સ્થાપન સમયે શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા ગણેશ વંદના, પૂજન અને આરતી કરવામાં આવી હતી. બાળકોમાં ધાર્મિક સંસ્કારો સાથે પર્યાવરણનું મહત્વ સમજાય તે હેતુથી POP ની મૂર્તિને બદલે માટીનાં ગણપતિની જ પસંદગી કરવામાં આવી હતી. ગણેશ ઉત્સવ દરમિયાન દરરોજ સવારે અને સાંજે શાળાનાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા ભાવપૂર્વક આરતી કરવામાં આવતી હતી. વિદ્યાર્થીઓએ ગણેશજીનાં ભજનો, શ્લોકો ગાવામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ગણેશ ઉત્સવનાં અંતિમ દિવસે ગણેશજીનું વિસર્જન ખૂબ જ અનોખી અને પર્યાવરણપ્રેમી શૈલીમાં કરવામાં આવ્યું. નદી, તળાવ કે કુદરતી જળસ્ત્રોતોને પ્રદૂષિત થતાં અટકાવવા માટે શાળા પરિસરમાં જ એક મોટા વાસણમાં ચોખ્ખું પાણી ભરીને કૃત્રિમ વિસર્જન કરવામાં આવ્યું. શાળાની બાળાઓ અને વિદ્યાર્થીઓએ ગણેશજીની પ્રતિમાને જળમાં પધરાવી, પુષ્પો અર્પણ કરીને “ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તૂ જલ્દી આ” નાં નાદ સાથે વિદાય આપી. માટીનાં ગણેશજી પાણીમાં સંપૂર્ણપણે ઓગળી ગયા બાદ તે પવિત્ર અને માટીયુક્ત પાણીને વેડફવાને બદલે શાળાનાં બગીચામાં આવેલ છોડ અને વૃક્ષોમાં નાખવામાં આવ્યું. આ રીતે ગણેશજીની માટી પુનઃ પ્રકૃતિમાં ભળી ગઈ અને બગીચાનાં વૃક્ષોને પોષણ મળ્યું. કીમ પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ આ પહેલે સાબિત કર્યું કે ધાર્મિક ઉત્સવોની ઉજવણી પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર પણ સુંદર રીતે થઈ શકે છે. આ આયોજનથી બાળકોમાં પર્યાવરણ સુરક્ષા અને પ્રકૃતિ જતન અંગે ઊંડી સમજ કેળવાઈ. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
