મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૩૧૭ બેડની યુ.એન.એમ. ટ્રાન્ઝિશનલ હોસ્પિટલનું વ્યારામાં લોકાર્પણ કર્યુ

0
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૩૧૭ બેડની યુ.એન.એમ. ટ્રાન્ઝિશનલ હોસ્પિટલનું વ્યારામાં લોકાર્પણ કર્યુ
Contact News Publisher

સેવા સંકલ્પ અભિયાનમાં આદિજાતિ વિસ્તાર તાપીને મળી અદ્યતન આરોગ્ય સેવા સુવિધાઓ

———-

૮૦૦ બેડની નવી હોસ્પિટલનું ખાતમૂર્હત સંપન્ન

તાપી સહિતના સરહદી આદિજાતિ વિસ્તારોના 8 લાખથી વધુ લોકોને નજીકના સ્થળે જ આરોગ્ય સેવાનો લાભ મળતો થશે.

સૌના માટે આરોગ્ય સુખાકારીનો મંત્ર સાકાર થશે.

———

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૨. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આદિજાતિ વિસ્તાર તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારામાં 317 બેડની અતિઆધુનિક ટ્રાન્ઝિશનલ હોસ્પિટલનું લોકાર્પણ કર્યુ હતુ.

 

આ ઉપરાંત રાજ્ય સરકાર સાથે પી.પી.પી. મોડેલ પર આકાર પામી રહેલી યુ.એન.એમ. મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પ્રોજેક્ટની નવી 800 બેડની હોસ્પિટલનું ભૂમિ પુજન પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે સંપન્ન થયું હતું.

 

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અવિરત જનસેવા સાધનાના 25 વર્ષ પુર્ણ થવા અવસરે દેશભરમાં યોજાઈ રહેલા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત અંતરિયાળ આદિજાતિ વિસ્તારોના લોકોની આરોગ્ય સુખાકારીના આ મહત્વાકાંક્ષી પ્રકલ્પની ભેટ મુખ્યમંત્રીશ્રીએ આદિજાતિ ગ્રામીણ નાગરિકોને આપી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૩૧૭ બેડની યુ.એન.એમ. ટ્રાન્ઝિશનલ હોસ્પિટલનું વ્યારામાં લોકાર્પણ કર્યુ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નવનિર્મિત યુ. એન. એમ. હોસ્પિટલ પરિસર તથા વિવિધ અત્યાધુનિક સુવિધાઓની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું અને જાણકારી મેળવી હતી.

 

આવનારા દિવસોમાં આ વિસ્તારમાં માત્ર શ્રેષ્ઠ આરોગ્ય વિષયક સારવાર જ નહીં, પરંતુ આદિવાસી યુવાઓને ઘર આંગણે તબીબી અભ્યાસ માટે મેડિકલ કોલેજનો લાભ પણ મળશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ આદિવાસી વિસ્તારમાં આવી અદ્યતન આરોગ્ય સુવિધા સુનિશ્ચિત થતાં આદિજાતિ તાપી જિલ્લાની સિદ્ધિમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે.

 

વ્યારા જનરલ હોસ્પિટલમાં હાલમાં કાર્યરત તમામ તબીબી સેવાઓ અને દર્દીઓની સારવાર હવે નવનિર્મિત ૩૧૭ બેડની ટ્રાન્ઝિશનલ હોસ્પિટલમાં સ્થળાંતરિત કરવામાં આવશે. નવી ૮૦૦ બેડની હોસ્પિટલના નિર્માણ દરમિયાન દર્દીઓને સારવારમાં કોઈ અગવડ ન પડે અને આરોગ્ય સેવાઓ સતત ચાલુ રહે તે હેતુથી હાલના હોસ્પિટલ કેમ્પસમાં જ આ સુવિધા વિકસાવવામાં આવી રહિ છે.

 

આ સમગ્ર પ્રોજેક્ટ અંતર્ગત વ્યારા ખાતે આગામી સમયમાં ૧૫૦ બેઠકોની MBBS મેડિકલ કોલેજ અને વિદ્યાર્થીઓ માટેની હોસ્ટેલ સહિત એક હેલ્થકેર હબ વિકસાવવામાં આવશે. અંદાજિત રૂ. ૯૧૦ કરોડનો આ સમગ્ર પ્રોજેક્ટ યુ.એન.એમ. ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાશે. આ સુવિધાઓ કાર્યરત થતાં તાપી ઉપરાંત ગુજરાત-મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોના આશરે ૮ લાખથી વધુ લોકોને અદ્યતન આરોગ્ય સેવાઓનો લાભ નજીકના સ્થળે જ મળી શકશે અને ક્રિટીકલ કેર તથા આપાતકાલિન સમયે ઝડપથી સારવાર મળતી થશે.

 

આ તકે આદિજાતિ વિકાસ મંત્રીશ્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલ, રમત ગમત અને પ્રવાસન રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત, ટોરેન્ટ ગૃપના ડિરેકટરશ્રી, સાંસદશ્રી પરભુભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંચળબેન ચૌધરી, ધારાસભ્ય સર્વશ્રી મોહનભાઇ કોંકણી અને મોહનભાઇ ઢોડિયા, જિલ્લા અગ્રણીશ્રી સુરજભાઈ વસાવા, જિલ્લા કલેકટરશ્રી દેવ ચૌધરી સહિત જનપ્રતિનિધીશ્રીઓ, યુ. એન. મેહતા ગૃપના તમામ અધિકારીઓ, સ્ટાફ, વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

૩૧૭ બેડની ટ્રાન્ઝિશનલ હોસ્પિટલમાં આધુનિક આરોગ્ય સુવિધાઓ:

૯,૯૮૬ ચોરસ મીટરના કાર્પેટ એરિયામાં વિકસાવવામાં આવેલી આ હોસ્પિટલમાં કુલ ૩૧૭ કાર્યરત બેડ, જેમાં ૨૭૧ વોર્ડ બેડ અને ૪૬ ક્રિટિકલ કેર બેડનો સમાવેશ થાય છે. હોસ્પિટલની OPD ક્ષમતામાં પણ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. અગાઉની આશરે ૭૦૦ દર્દીઓની દૈનિક OPD ક્ષમતાની સામે હવે ૧૭ ક્લિનિકલ સ્પેશિયાલિટીઝ માટે ૨૪ સમર્પિત OPD રૂમ સાથે દરરોજ આશરે ૧,૨૦૦ દર્દીઓને સેવા આપી શકાશે.

 

હોસ્પિટલમાં ૩ મેજર સર્જરી અને ૧ સીઝેરિયન/મેટરનિટી સેવાઓ માટેના કુલ ૪ સંપૂર્ણ સુસજ્જ ઓપરેશન થિયેટર ઉપરાંત ER Minor OT અને Post-Mortem OTની સુવિધા છે. ક્રિટિકલ કેર માટે ૩૪ ICU બેડ, ૧૨ NICU/PICU બેડ અને ૬ ER બેડ ઉપલબ્ધ છે. આ ઉપરાંત અદ્યતન પેથોલોજી અને માઇક્રોબાયોલોજી લેબોરેટરી, બ્લડ સ્ટોરેજ સેન્ટર, X-Ray, USG, ૮ બેડનું ડાયાલિસિસ યુનિટ, CSSD, Kangaroo Mother Care Room અને NRC Ward જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

 

ઘરઆંગણે મળશે અદ્યતન તબીબી સારવાર:

વ્યારા ખાતે જ વિશિષ્ટ તબીબી સારવાર ઉપલબ્ધ થવાથી તાપી જિલ્લાના દર્દીઓને અદ્યતન સારવાર માટે આશરે ૭૫ કિલોમીટર દૂર સુરત જવાની જરૂરિયાતમાં ઘટાડો થશે. ખાસ કરીને આદિવાસી અને ગ્રામીણ વિસ્તારના લોકોને પોતાના નજીકના વિસ્તારમાં જ ગુણવત્તાસભર આરોગ્યસેવા ઉપલબ્ધ થવાથી સમય અને ખર્ચ બંનેમાં રાહત થશે.

 

ટોરેન્ટ ગ્રુપના ડિરેક્ટર શ્રી જીનલ મહેતાએ આ તકે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર સાથે પી.પી.પી. ધોરણે યુ.એન.એમ. ફાઉન્ડેશન દ્વારા વ્યારા જનરલ હોસ્પિટલના પુનર્વિકાસ અને વિસ્તરણનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ટ્રાન્ઝિશનલ સુવિધાનું લોકાર્પણ અને નવી યુ.એન.એમ. જનરલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત વ્યારા તથા આસપાસના વિસ્તારો માટે આરોગ્ય ક્ષેત્રે નવા અધ્યાયની શરૂઆત છે.

 

યુ.એન.એમ. ફાઉન્ડેશન ટોરેન્ટ ગ્રુપના પ્રમોટર્સ મહેતા પરિવારની સેવાભાવી સંસ્થા છે, જે આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ, કલા અને સંસ્કૃતિ સહિતના ક્ષેત્રોમાં વિવિધ સમાજલક્ષી પહેલો હાથ ધરે છે. આરોગ્ય ક્ષેત્રે ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ ખાતે યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર, સુરતના કામરેજ ખાતે યુએનએમ ચિલ્ડ્રન હોસ્પિટલ તથા અમદાવાદ ખાતે સંકલન ન્યુરો રિહેબિલિટેશન સેન્ટર સહિતની પહેલો હાથ ધરવામાં આવી છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other