તાપી જિલ્લામાં શાળાઓ અને છાત્રાલયોમાં ફૂડ સેફ્ટી વિભાગનું ચેકિંગ 

0
તાપી જિલ્લામાં શાળાઓ અને છાત્રાલયોમાં ફૂડ સેફ્ટી વિભાગનું ચેકિંગ 
Contact News Publisher

શૈક્ષણિક સંસ્થાઓમાંથી ૧૯ ખાદ્યપદાર્થોના નમૂના લેવાયા 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૬. તાપી જિલ્લામાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ગત તા. ૧૦ અને ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ જિલ્લાની વિવિધ આશ્રમશાળાઓ, સરકારી શાળાઓ તેમજ આંગણવાડી કેન્દ્રોની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. આ તપાસનો મુખ્ય હેતુ બાળકોને પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા, શુદ્ધતા અને રસોડાની સ્વચ્છતા ચકાસવાનો હતો.

 

આ બે દિવસીય સઘન ચેકિંગ દરમિયાન અધિકારીઓએ વ્યારા, વાલોડ અને ઉકાઈ પંથકની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાંથી કુલ ૧૯ જેટલા ખાદ્યપદાર્થોના નમૂના એકત્ર કર્યા હતા. જેમાં વ્યારાના બોરખડી સ્થિત જવાહર નવોદય વિદ્યાલય અને ગ્રામ સેવા સમાજ આશ્રમશાળા, વાલોડના ગોદન ખાતેની વેડછી પ્રદેશ સેવા સમિતિ વાલોડ સ્નેહકુંજ કુમાર છાત્રાલય તેમજ વ્યારામાં ગ્રામ સેવા સમાજ સંચાલિત દક્ષિણાપથની વિવિધ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક છાત્રાલયોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઉકાઈ અને આસપાસના વિસ્તારની આમલીપાડા, દુમદા અને દુમદા ટાંકલી પ્રાથમિક શાળાઓ તેમજ દુમદા આંગણવાડી કેન્દ્રમાંથી પણ ફૂડ સેમ્પલ લેવામાં આવ્યા હતા.

 

ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા માત્ર નમૂના લેવાની જ કામગીરી નહોતી કરાઈ, પરંતુ સ્થળ પર રસોડા અને ભોજનકક્ષની સાફસફાઈનું પણ બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન જ્યાં કચાશ જોવા મળી ત્યાં સંચાલકોને યોગ્ય સ્વચ્છતા જાળવવા બાબતે જરૂરી અને સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. એટલું જ નહીં, ભવિષ્યમાં બાળકોના ખોરાક બાબતે કોઈ બેદરકારી ન રહે તે સુનિશ્ચિત કરવા માટે સંબંધિત સંસ્થાઓને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પણ આપવામાં આવી છે. તેમ, તાપી ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસરશ્રી એ.એમ.વાલુ દ્વારા પ્રાપ્ત અખબારી યાદીમાં જણાવાયું છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *